આપણા જડ શરિરને ચેતનવંતુ રાખે તે આત્મા અને સંસ્કૃતમાં તેને કહેવાય આત્મન. જડ શરિરનું ચાલક બળ એટલે આત્મન.
મહા વદ પાંચમ એટલે કે ફેબ્રુઆરીની તારિખ ૧૨, ૨૦૧૨ સાંજના ચાર વાગે અને છ મિનીટે અમારા કુટુંબમાં આત્મનભાઇનું શુભ આગમન થયું. મને એમ લાગ્યું કે તારીખ સરસ રીતે પસંદ કરી. મમ્મી ની જન્મ તારીખ 10 છે અને પપ્પા ની 29 છે. એટલે કે બંને ની તારીખ નો પહેલો આંક લઇ લીધો અને 12 તારીખ પસંદ કરી. એમાય પાછું 21 કેમ નહિ? એવો સવાલ થાય તો એનો જવાબ છે માતૃ દેવો ભવ એટલે કે પહેલો અંક માતાનો. બરાબરને ?
ઘરમાં જાણે ચૈતન્ય, શક્તિ અને ઉર્જાનું આગમન થયું હોય તેવું લાગ્યુ. મેં જ્યારે પહેલીવાર આત્મનને શાંતિથી જોયો ત્યારે તે તેના બંને પગ આગળ પાછળ હલાવતો હતો જાણે પપ્પાની લિવા ગાડીને સતત ક્લચ બ્રેક ન કરતો હોય! અને સાથે સાથે જ બે હાથ ઉપર નીચે એવી રીતે હલાવતો હતો કે જાણે સ્ટિયરીંગ વ્હિલ હલાવતો હોય!
એની સુવાની પણ એક અનોખી અદા છે. એનાં બન્ને હાથ માથાની આસપાસ એટલે કે ડાબો હાથ ડાબી બાજુ ઉપર તરફ અને જમણો હાથ જમણી બાજુ ઉપર તરફ તથા બન્ને હાથની મુઠ્ઠી બંધ. જાણે અંગ્રેજીનો "W" ન હોય! બન્ને પગ પ્રણામની મુદ્રામાં અને ઉપર તરફ ખેંચેલા. જાણે અંગ્રેજીનો "M" ન હોય!
અમે એવા ખોટા ભ્રમમાં છીએ કે અમે એને રમાડીએ છીએ હકીકતમાં તો એ અમને રમાડે છે. એક દાખલો આપું. એકવાર એની મમ્મી એને ઘોડિયામાં સુવાડી ને હિચકો નાખતીતી અને ભાઈ આંખ બંધ કરી સુઈ ગયો. એની મમ્મી કે કે જો એતો ઊંઘમાં હસે છે, મેં કીધું એ ઊંઘમાં નથી હસતો બેન. એ એટલા માટે હસે છે કે જોતો હું તો જાગું છું પણ આ લોકો એમ માને છે કે હું સુતો છું.
મને તો આત્મનભાઇ પાસેથી ઘણું શીખવા મળ્યું. એને રમકડા આપો તો રમકડાથી રમે અને ન આપો તો ઉપર પંખો ફરે કે કેલેન્ડર ઉડે તો એ જોઈ ને હસે. અથવા તો પોતાના બંને પગ ઉચા કરી હાથ વડે પકડે અને વાતો કરે. પોતાની મસ્તીમાં સુખેથી રહે. " કોઈ વસ્તુ માટે અપેક્ષા નહી કે આગ્રહ નહી. હોય તોય ઠીક ન હોય તોય ઠીક."
આવો મોજીલો છે આમારો લાડકો દીકરો આત્મન.
No comments:
Post a Comment