સંયુક્ત કુટુંબમાં જયારે વૈચારિક મતભેદ થાય ત્યારે ઘરમાં ક્લેશનુ વાતાવરણ છવાઇ જાય છે. ઘરનાં દરેક સભ્યને પોતાના અંગત વિચાર અને અભિપ્રાય હોય છે. દરેક વ્યક્તિ પોતાને સાચો ગણીને બીજા કેમ સમજતા નથી? એમ માનીને પોતાનો જીવ બાળતા હોય છે. આ વસ્તુ બાલિકા વધુના તાઇસાના ઘર છોડવાની વાતને ઉદાહરણ તરીકે લઇને સમજવાની કોશિશ કરીએ.
દાદીસાનુ ફોકસ એક જ છે કે ઘરની ગરીબ પુત્રવધુએ કોઇપણ સંજોગોમાં ઘરનાં વડિલનુ માન જાળવવાનુ અને કુટુંબની માન મર્યાદા સાચવવાની. નાના લોકોને માન કે સન્માન વળી કેવું? અહંકાર માણસને કેટલી હદે નીચે લઇ જાય છે. આટલુ નાનુ બાળક એક મા થી અલગ થાય તો ભલે પણ મારા અહંકારને ઠેસ ન લાગવી જોઇએ. દાદીસાને ઘરનાં સભ્યો દુ:ખી થાય તેનો વાંધો નથી પણ સમાજમાં પોતાની ઇજ્જત બરકરાર રહે તેની પ્રાથમિકતા છે.
ભૈરવસિંહ નું ફોકસ ભાઇ, ભાભીનો સંસાર સુખી રહે તથા ભાભીને અન્યાય ન થાય તે છે. સુમિત્રા મનથી નાની બહેન સમજે છે અને તેથી તે ગેહનાને ખોટો નિર્ણય લેતા રોકવાની કોશિશ કરે છે. તેને પણ બાળકની ચિંતા છે. વસંત માટે તો એક તરફ કુવો તો બીજી તરફ ખાઇ છે. કરુણ પરિસ્થિતી છે. તેની પ્રાથમિકતા પત્નિ છે. બાળક પછી આવે છે.
સૌથી કરુણ પરિસ્થિતી ગેહનાની છે. એક તરફ બાળક માટેની મમતા જે કોઇ પણ મા માટે સર્વપ્રથમ હોય છે અને બીજી તરફ આત્મસન્માન. મને યાદ છે મારી બા અમને નાટકનો ડાયલોગ સંભળાવતા " સંતાન કરતા મને મારુ માન વ્હાલુ છે અપમાન કરતાં આત્મનુ બલિદાન વ્હાલુ છે. " નાટક અને જિંદગીમાં ઘણો ફરક છે. કદાચ આજનાં સંજોગોમાં કોઇ પણ સ્ત્રી આવો નિર્ણય કરે ખરી? કદાચ ડિબેટનો વિષય છે પણ મને યોગ્ય ન લાગ્યુ.
આખા ઘરમાં પેલા બે નાના પતિ પત્નિ જગ્યો અને આનંદી એ બેજ જણા એવા છે જેના માટે બાળક સિવાય બીજી કોઇ પ્રાયોરિટી નથી. તેને નથી પંચાત સમાજની કે કોઇ અહંકારની. કાશ... આપણે બાળ સહજ નિર્દોષતા કેળવી શકતા હોત!!!
આ તો થઇ સિરિયલની વાત. પણ જિંદગીમાં આવુ બને તો આપણે શું કરવાનુ?
૧. સૌ પ્રથમ આપણા મગજને શાંત રાખી જે કોઇ બનાવ કે ઘટના તમારી સામે છે તેને સમજવાની કોશિશ કરીએ કોઇ પણ રિએક્શન કે અભિપ્રાય આપ્યા સિવાય.
૨. કોણ સાચુ કે કોણ ખોટુ છે તે વિશે વિચાર્યા કરતા શું સાચુ છે અને શું ખોટું છે તે નક્કિ કરિએ.
૩. દરેક વ્યક્તિનું ફોકસ અલગ હશે દરેકની બનાવ તરફ જોવાની અને સંજોગ અનુસાર રિએક્ટ કરવાની અલગ રીત હશે, પ્રાયોરિટી અલગ હશે.
૪. રિએક્ટ કરતી વ્યક્તિને પ્રેજ્યુડાઇસ કે માઇન્ડસેટ પણ હોય.
૫. આવા પ્રતિકુળ સંજોગોમાં તમારી પોઝિશન એટલે કે તમે ઘરમાં નાના છો કે મોટા તે ધ્યાનમાં લઇને અભિપ્રાય આપો.
૬. નાના હો તો ખાસ ખ્યાલ રાખજો કે કોઇ વડિલને સલાહ ન અપાય અથવા તો વાત એવી રીતે ન કરો કે વડિલને સલાહ આપતા હો તેવુ લાગે. નહિતર પહેલું રિએક્શન આવશે કે "તુ ચુપ રહે તારે ડહાપણ ડોળવાની જરુર નથી".
૭.પરિસ્તિથી સમજીને, વિચાર પૂર્વક શબ્દો બોલવા જોઇએ. કોઇનુ માન ઘવાય તેવુ ન બોલીએ. નહિતર વાત આડા પાટે ચડી જશે અને નાહક તમારે દુ:ખી થવું પડશે.
૮. ઇન્ટલેક્ચુઅલી ડિસઓનેસ્ટ ન થઇએ અને ધીરજ રાખી પોતાની વાત કરીએ જેનાથી કોઇનું માન ન ઘવાય અને ઘરની શાંતિ જળવાઇ રહે.
૯. ઘર છે, લોકો છે, દરેકને પોતાની વિચારવાની રીત છે, દરેકની સમજણ અલગ છે એટલે વૈચારિક મતભેદ તો રહેવાના પણ યાદ રાખીએ કે ક્યારેય મનભેદ ન થાય.
Saturday, December 19, 2009
Subscribe to:
Posts (Atom)