Tuesday, July 20, 2010

સંબંધ

સંબંધ, એ વ્યક્તિ રૂપી માળીએ અંત:કરણ પુર્વક: સ્નેહના જળથી ઉગાડેલો એવો છોડ છે, જે સ્નેહના જળને પરિવર્તિત કરી પુષ્પમાં પમરાટના સ્વરુપે પ્રગટ થાય છે. લાગણીની કોઇ ભાષા નથી હોતી એ અનુભવી શકાય એને શબ્દોમાં કેદ ન કરી શકાય. શું સમુદ્રના અફાટ જળમાં ભરતી અને ઓટ નથી આવતાં? વૃક્ષો પાનખરમાં પોતાનાં પર્ણ નથી ગુમાવતાં? તેથી શું તેની મુળભુત પ્રકૃત્તિમાં પરિવર્તન આવે છે. કદાપી નહિને!તેવી જ રીતે સંબંધમાં પણ, શાંત જળમાં પત્થર પડવાથી વલય આકાર પામે તેવું બને. પણ તે ક્ષણિક હોય "પાની કિ લકીર". તે ક્યારે પણ સંબંધમાં અંત ન લાવી શકે એટલા માટે કે તેના મુળમાં સ્નેહ ભાવના હોય છે.

જે સંબંધમાં કઇ આપવાની જ ભાવનાં હોય, કોઇને સુખી કરવાની ઈચ્છા હોય તે સંબંધમાં ક્યારે પણ સ્નેહની ઓટ ન આવે ચાહે ગમે તેવા સંજોગો હોય. ઘણા સેન્સીટિવ લોકોને નાની બાબતમાં પણ ખુબ લાગી આવે. તેનું રિએક્શન પણ તેજાબી હોય. આપણે જો ફક્ત રિએક્શન નિહાળીને મનમાં કોઇ વિષે અભિપ્રાય બાંધી લઇએ તો સામી વ્યક્તિને જાણે અજાણે અન્યાય કરીએ છીએ. કારણ કે એ રિએક્શન પાછળ શું કારણ હતું તે વિષયમાં આપણે ભાગ્યે જ ઉંડા ઉતરતાં હોઇએ છીએ. આપણે સ્થુળમાં અટકી જઇએ છીએ. જો આપણે વિચારીએ કે આપણાથી સામેની વ્યક્તિની ભાવના કે લાગણીને જાણે અજાણે ઠેસ તો નથી પહોંચાડી ને! આપણી વાણી, વિચાર કે વર્તનમાં ઉણપતો ન હતી ને!

આવું વિશ્ર્લેષણ કરવાથી આપણે ચોક્કસ સચ્ચાઇથી નજદિક પહોચિ જશું. અને જ્યારે પણ આપણ ને લાગે કે આપણી ભુલ થઇ છે તો તેને તરત સુધારી લેવી જોઇએ. કલાપીએ કેટલું સુંદર લખ્યુ છે " હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યુ એ, પાપી તેમાં ડુબકી દઇને પુણ્યશાળી બને છે" અંગ્રેજીમાં એક કહેવત છે કે " વી આર હ્યુમન બિઇંગ્સ, વી આર બાઉન્ડ ટુ મેઇક મિસ્ટેક્સ ". અને જો જો જ્યાં ખરા સ્નેહની ભાવના હશે ત્યાં ભુલ કબુલ કરતાં અહંકાર વચ્ચે નહિ આવે. કારણ કે ખરા પ્રેમની ભાવનાંની તાકાત પાસે અહંકાર તણખલા સમાન બની જાય છે.

પરમાત્માંનું અપ્રકટ સ્વરુપ એ જ સ્નેહ, લાગણી કે પ્રેમ.