Wednesday, August 12, 2009

તન - મન - ધન

કોઇ પણ વ્યકતિ સુખી ત્યારે કહેવાય કે જયારે તે તન, મન અને ધનથી સંતુષ્ટ હોય. આપણા ગુજરાતમાં તો આ ત્રણે પાછળ સુખ શબ્દ લગાડીને નામ પણ હોય છે. તનસુખ, મનસુખ અને ધનસુખ. પણ ક્યારેક એવું સાંભળીએ કે તનસુખભાઇ હોસ્પિટલમાં હોય, ધનસુખભાઇ ભીખ માંગતા હોય ને મનસુખભાઇને પાગલખાનામાં દાખલ કર્યા હોય. ગમે તેમ પણ જીવનની ટ્રિપોયના આ ત્રણ પાયા જો મજબુત હોય તો માણસ સુખી કહેવાય.
સુખની પરી કલ્પનાનુ પ્રથમ પગલુ એટલે તંદુરસ્તિ. જો તન દુરસ્ત હોય તો વ્યકતિ જગતનાં સર્વ ભોગ માણી શકે. તંદુરસ્તિ જાળવવાના ત્રણ સાદા નિયમો છે.
૧. તમને ન ભાવતી વસ્તુ ખાવ. જેમ કે ફક્ત સલાડ, લીલા શાકભાજી, ફળ વિગેરે.
૨. તમને ન ભાવતી વસ્તુ પીઓ જેમ કે કારેલાનો જ્યુસ, ભાજીનો જયુસ વિગેરે.
૩. તમને ન ગમતી વસ્તુ કરો. સવારે ચાલો, એરોબિક્સ કરો, દોરડા કુદો વિગેરે.

કહેવત છે "મન ચંગા તો કાથરોટમાં ગંગા", "મન હોય તો માળવે જવાય", "મન કહે હુ ધરાઇશ નહિં ને ભૂખ કહે હું ખાઇશ નહિં". આપણી દરેક ઇચ્છા, આકાંક્ષા કે અભિલાષાનું ઉદ્ગ઼મ સ્થાન છે મન. વાવાઝોડુ, ધરતીકંપ કે નદીના પુરને નાથી શકાતુ નથી તેવી જ રીતે મન ને કાબુમાં રાખી નથી શકાતુ. મન સાથે દોસ્તી હોય તો ગમે તે કસોટિકાળમાંથી બહાર આવી શકાય. મન મજબુત અને મક્કમ હોય તો દુનિયાની કોઇ તાકાત તમને મુશ્કેલ પરિસ્થિતીમાં પણ વિચલીત ન કરી શકે. માટે સુખી થવાનું બીજુ સોપાન છે મન.

જ્યારે તન અને મન પ્રફુલ્લિત હોય ત્યારે મગજની કામ કરવાની ક્ષમતા વધે છે. અને મગજ ઠેકાણે હોય તો ધન, સંપત્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. માટે જ આપણે શુભલક્ષ્મિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. સુખી થવાની ત્રીજી ચાવી તે ધન પ્રાપ્તિ.

આ ત્રણે ક્વોલટીને અનુલક્ષિને ત્રણ પ્રકારનાં લોકો હોય છે.
૧. જેમની પાસે ફક્ત તન સુખ જ હોય પણ ધનસુખ અને મનસુખ ન હોય. મોટે ભાગે આ પ્રકારના લોકો શ્રમિક જીવન ગુજારતા હોય છે દા.ત. મજુર. ક્યારેક પૈસાની લાલચમાં ખોટે રસ્તે ચડી જીવન બરબાદ કરતા હોય છે. દા.ત. "ભાઇ લોગ", આતંકવાદી.
૨. જેમની પાસે તનસુખ અને ધનસુખ હોય પણ મનસુખ ન હોય. મોટે ભાગે આ પ્રકારના લોકો રાજસી જીવન ગુજારતા હોય છે દા.ત. મધ્યમ વર્ગના લોકો. યુવાનીમાં તંદુરસ્તિના ભોગે ધન કમાય છે ને વૃધ્ધાવસ્થામાં એ કમાયેલા ધનથી તંદુરસ્તિ મેળવવા પ્રયત્નશીલ હોય છે.
૩. ત્રીજા પ્રકારના લોકો બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે કે જેઓ તન, મન અને ધનથી સુખી હોય. આવા લોકોની વૃત્તિ સાફ હોવાથી પોઝિટીવ એટિટ્યુડ વાળા હોય છે તેથી તેમને જે કઇ પણ જીવનમાં મળ્યુ છે તેનો સંતોષ રાખે છે. આવા લોકોનું નામ શું આપી શકાય જાણો છો? મારા ઘરની પાસે એક ઘરની તક્તિ છે જેના ઉપર નામ છે "શાંતિલાલ સુખલાલ".