Thursday, December 12, 2013

ટેવથી થતી કોમેડી

મિત્રો, ઘણી વખત અમુક વસ્તુ લાઈફમાં એવી રીતે વણાઈ જતી હોય છે કે પછી એ રૂટીન બની જાય છે અને આપણને ટેવ પડી જાય છે.

અમારી કંપનીમાં રાવ સાહેબ સીનીઅર મેનેજર પ્રોડક્શન. દરરોજ સવારે ગાડીમાં આવે. અમારે કંપનીમાં એવો નિયમ કે જયારે કોઈ મેનેજર ગેટમાં દાખલ થાય ત્યારે સિક્યુરીટીનો સ્ટાફ સેલ્યુટ કરે. અમારા રાવ સાહેબ ઘણા માયાળુ એટલે એ પણ સામે  સેલ્યુટ કરે. હવે એકવાર ખબર નઈ કેમ પણ સિક્યુરીટીવાળા ભાઈ સેલ્યુટ કરવી ભૂલી ગયા. પણ ટેવના હિસાબે રાવ સાહેબે સિક્યુરીટીવાળા ભાઈને સેલ્યુટ કરી.

અમારી કંપનીમાં મારી સાથે એક ડાભી ભાઈ કામ કરે. ખુબ માયાળુ માણસ,   આઠ વાગ્યાનો fectory નો સમય પણ એ તો પોણા આઠવાગે ટેબલ પર હોય જ.વરસમાં એક વાર લાંબી રજા ઉપર જાય. એકવાર એમણે શનિવારે રજા મૂકી કે સોમવારથી પંદર દિવસ નહિ આવું મેં કહ્યું ભલે. મેં અમારા જીગર વાઘેલાને કીધું કે સોમવારથી ડાભી ભાઈ નથી એટલે કામની વ્યવસ્થા ગોઠવી લીધી. હવે સોમવારે હું ઓફિસે ગયો તો ડાભી ભાઈ તો એની જગ્યાએ ગોઠવાઈ બેઠા હતા. મેં પૂછ્યું કા ડાભી ભાઈ તમે તો રજા મૂકી છેને! ત્યારે મને કે કે મને સવાર સુધી યાદ હતું પણ ટેવ પડી ગઈને એટલે સાડા સાતે સાયકલ મારી મૂકી.

મને મોર્નીગ વોકની ટેવ છે. એક ભાઈ ઘણી વાર મને મળે અને અમે સાથે ફરવા જઈએ. એકવાર હું રોજની જેમ જતો હતો ને આ ભાઈ સ્કુટર ઉપર મને મળ્યા. મેં પૂછ્યું કેમ આજે સ્કુટર ઉપર. તો કે યાર આજ ઉઠવામાં મોડું થઇ ગયું એટલે સ્કુટર ઉપર ફરવા નીકળ્યો. લે બોલ!

આવીજ રીતે મોર્નીગ વોકમાં જાઉં ત્યારે ઘણા વાલીઓ તેમના બાળક સાથે બસની રાહ જોતા ઉભા હોય ને એ હાથ ઉચો કરે ને હું પણ સામે સીતારામ કરું. એકવાર એકભાઈ એકલા ઉભા ઉભા બસની રાહ જોતા તા મેં પૂછ્યું બાબલો ક્યાં તો કે એને તાવ આવે છે એટલે આજે નથી જવાનો પણ રોજની ટેવ પડી ગઈને બસની રાહ જોવાની એમાં હું ફૂટપાથે આવીગયો.


  

Friday, September 6, 2013

એક પરી કલ્પના

મારા મનમાં ઘણા વખત થી એક વિચાર સતત ઘુમરાયા કરે  છે કે આ પૃથ્વીની શરૂઆત કેવી રીતે થઇ? કોણ હશે સર્જનહાર? પણ મૂળ તો આપણે આસ્થાળુ જીવ એટલે એમ માન્યું કે  પરમેશ્વર કે પરમ પિતા એ આ સૃષ્ટિની રચના કરી હશે.

પણ આતો પરમ તત્વની રચના, એટલે ખુબ શિસ્ત બદ્ધ કામ હોય તેમાં કઈ નવાઈ જેવું હોય નહિ. એટલે પહેલા તો એમણે બ્રમાંડની રચના કરી. એટલે કે અલગ અલગ તારા, નક્ષત્રો સૂર્ય, ચંદ્ર ઈત્યાદી અને આ સર્વેની એક ચોક્કસ દિશા અને ચાલ આપ્યા. તે પછી પૃથ્વી બનાવી. પૃથ્વીનું સર્જન કર્યા પછી પરમાત્મા ને વિચાર આવ્યો હશે કે આ ખાલી પૃથ્વીમાં પ્રકૃતિ પણ બનાવીએ.  એટલે  એમણે નદી, સરોવર, વ્રુક્ષ, પહાડ, ભૂમિની રચના કરી. એ પછી નાના જીવોનું સર્જન કર્યું જેમાં જળચર સ્થળચર જીવો બનાવ્યા.આટલું સુંદર આયોજન કરી પ્રભુને થયું કે ચાલો આ સુંદર રચના કરીછે તો આપણે તેનો ઉપયોગ કરીએ. એટલે જેમ કરોળિયો પોતાનામાંથી જાળ ઉત્પન્ન કરે એમ પોતાના અંશમાંથી પુરષ અને સ્ત્રી રૂપે પ્રગટ થયા. પણ પેલા જણાવી ગયો  એમ, કે પરમાત્માનું દરેક કામ શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત હોય એમ માનવીને પણ કીધું કે જો તું છે તો મારોજ અંશ પણ મારામાંથી છૂટો પાડી તને પૃથ્વી પર મોકલું છું. અને આટલે દુર મોકલું છું એટલે તને ખાલી હાથે નથી મોકલતો. તને પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ પ્રાણ અને પંચ મહાભૂત (આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી), મન, બુદ્ધી, ચિત અને અહંકાર નું ભાથું પણ આપુ છું. તમને તમારી રીતે રહેવાની છૂટ, કામ કરવાની છૂટ પણ એનો બદલો કેમ આપવો એ હું નક્કી કરીશ. આમ કહીને ભગવાને માનવીને પૃથ્વી પર રવાના કર્યો. નરસિંહ મેહતા કહે છે ને " પવન તું, પાણી તું ભૂમિ તું ભૂધરા, વ્રુક્ષ થઇ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે."

એટલે પૃથ્વી ઉપર માનવનું અવતરણ થયું ત્યારે માનવી એ પૃથ્વી ઉપર શું જોયું? કે વાહ અહી તો જળ અને સ્થળ છે સૂર્ય,ચંદ્ર, ગ્રહ અને નક્ષત્રો છે. વ્રુક્ષ, ફૂલ અને ફળો છે. એટલે કે એક પૃથ્વી છે કે જ્યાં દિવસ અને રાત્રી થાય છે અને અહી રહી શકાય એવી જગ્યા છે. લોકો સુખ અને શાંતિ થી રહેવા લાગ્યા.

પણ ભગવાને બુદ્ધી અને ચિત પણ આપેલા એટલે એમણે બુદ્ધી થી વિચાર કર્યો કે આ શુ દિવસ અને રાત પડે એટલે શું? આપણે ચિંતન કરીએ વિચાર કરીએ કે આ બધું કેવી રીતે વ્યવસ્થિત ચાલે. એટલે ઊંડું અધ્યયન, નિરિક્ષણ કરીને એમ નક્કી કર્યું કે ભાઈ ચોવીસ કલાકનો એક દિવસ થાય. અને એ ચોવીસ કલાકના પાછા ચોઘડિયા જેના બે વિભાગ દિવસના અને રાત્રીના. આમને આમ વર્ષો વીતવા લાગ્યા અને માનવી પોતાની રીતે વિચાર કરવા લાગ્યા. જેમ જેમ વિકાસ થતો ગયો એમ એમ લોકોએ પૃથ્વી પર વિવિધ દેશની રચના કરવા લાગ્યા. ( પેલા ગીતમાં સાચું જ કહ્યું છે " માલિક ને દી થી હંમે એક હી ધરતી, હમને કહી ભારત કહી ઈરાન બનાયા") લોકોને ત્યારે પણ વિચાર આવ્યો હશે કે આ સર્વના કર્તા હર્તા કોણ ? એટલે દરેકે દરેક  લોકોના મત જુદા પડ્યા. એટલે દરેકે પોતાનો અલગ ચોકો પાડ્યો કે અમે હિંદુ, અમે ક્રિશ્ચન, ખ્રીસ્થી, મુસ્લિમ વિગેરે. અહંકાર વશ દરેક લોકો પોતાને સાચા અને બીજાને ખોટા પાડવાની હરીફાઈ માં પડી ગયા.
નરસિંહ મેહતા સાચું જ કહે છે કે "ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી, જેહ ને જે ગમે તેને પૂજે, મન કર્મ વચન થી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સુજે"   

પરમાત્મા જ પૂર્ણ છે અને માનવી પરમાત્માનો એક અંશ છે. એટલે જ આપણે ગાઈએ છીએ " પૂર્ણ મદ: પૂર્ણ મીદમ .......". આપણી યાત્રા અંશમાંથી પૂર્ણમાં લીન થવાની યાત્રા છે. એ પૂર્ણ ને જાણવા, સમજવા માટે શ્રદ્ધા ખુબ જરૂરી છે. મુશ્કેલી એ છે કે આપણે વ્યક્તિના વિચાર કે આચાર માં શ્રદ્ધારાખવાને બદલે વ્યક્તિના પૂજન માં લાગી જઈએ છીએ. મોરરીબાપુ એમના પ્રવચનમાં ઘણી વાર કહે છે કે વક્તાને ન પકડતા વક્તવ્યને પકડો. મોરારીબાપુ કથિત રામાયણમાં આવતા પાત્રોના ગુણ માંથી આપણને યોગ્ય લાગે તે જીવનમાં ઉતારીએ. તકલીફ ત્યારે થાય છે કે જયારે આપણે રામાયણને પડતું મુકીને મોરારીબાપુની પાછળ પડી જઈએ કે બાપુ મારા માથે હાથ મૂકી દ્યો એટલે મારો બેડો પર થઇ જાય. પછી થાય છે એવું કે ભલે સારી ભાવનાથી પણ બાપુની પૂજા શરુ થઇ જાય અને ધરમને ધંધામાં પલટાવી નાખનારનો એક વર્ગ ઉભો થઇ જાય. હમણાં ફેસ બુક ઉપર પરમ વંદનીય સાઈબાબા નો ફોટો જોયો. એકદમ સાદગીપૂર્ણ વ્યક્તિત્વ. ગરીબોની સેવામાં જીવન સમર્પિત કરી દીધું. એ જ બાબાના મંદિરમાં આપણે એમને સોને મઢીને સંતોષ લઈએ છીએ.

ટુકમાં કહું તો જીવન પ્રવાસમાં આવતી વિવિધ પરંપરાને અનુસરતા આપણે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી સારી વસ્તુ અપનાવી ને આગળ ચાલતા રહેવું. 

Thursday, April 11, 2013

છાપાનો અહેવાલ

રોજના નિયમ મુજબ સવારે ચાલવા જતો હતો . રસ્તા પર બે ગાયુએ સામ સામા શીંગડા ભરાવ્યા . એમાં એક ગા ભડકીને ધોડવા મંડી . સામેથી એક માજી વયા આવે ને એમનું ધ્યાન નહી ને ગાએ માજીને ઉડાડ્યા . માણસોનું ટોળું ભેગું થયું ને માજીને હોસ્પિટલ ભેગા કર્યા . આવા પ્રસંગો અમારે રોજીંદા બને છે .

પણ બીજે દિવસે છાપું વાચ્યું તો અહેવાલ કૈક આવો હતો .
" આ મોદીની સરકાર રોજ વિકાસના બણગા ફુકે છે ને અવનવા મેળા અને ઉત્સવોમાં  માં જનતા ના પૈસા ઉડાડે  છે . અને બિચારી ગરીબ જનતા રિબાય છે . માલધારીઓને આ દુકાળમાં ઘાસ મળતું નથી . એટલે માલઢોરને ઘરમાંથી બહાર ચરવા છોડી દે છે . ભૂખી ગાયું બિચારી જરાક ઘાસ ભાળે એટલે ચારો કરવા શીંગડા ભરાવે . ગઈ કાલે આવાજ એક બનાવમાં એક માજી ડોન એરિયા માં ઘાયલ થઇ ગયા . માજી ને હોસ્પીટલમાં દાખલ કર્યા છે અને એમની તબિયત સુધારા ઉપર છે . આ ઘટના બની એટલે કોંગ્રસના માનનીય નેતા શ્રી  માજીને મળવા ગયા . અને બહાર પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે છેલ્લા બાર વરસથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ની
પરિસ્થિતિ સાવ ખાડે ગઈ છે . લોકો ને ગાય ભેશું વચ્ચે રાખી અને નરેન્દ્ર મોદી પોતે તો કમાન્ડોની સુરક્ષા ભોગવે છે . જનતા હવે સમજી ગઈ છે અને મોદીની આ નીમ્ભર સરકારને 2014ની ચુંટણી માં યોગ્ય જવાબ આપશે ." 

લે બોલ ! કેવું પડે ને! છાપાનું નામ તો તમે સમજી ગયા હશો . મારે લખવાની જરૂર ખરી કે?


 

Wednesday, February 6, 2013

નરસિહમહેતા

ઋષિ મુચ્યકુન્દ્જીનો અવતાર નરસિહ મહેતાનું નામ લેતા જ શામળા ગિરધારી નજર સામે તરવરે .  કહે છે કે સાત વર્ષ સુધી તેમને જીભ નહોતી આવી એટલે કે બોલી ન શકતા .  એમના દાદીમાને ખુબ ચિંતા થતી કે આ બાળક ક્યારે બોલી શકશે?

એવામાં એક દિવસ એક પરમ સંત ઘરે પધાર્યા . દાદીમાએ એમને પૂછ્યું કે આ છોકરો ક્યારે બોલતો થશે? સંતે બાળક સામે જોયું એના મુખની ક્રાંતિ જોઈને એની જીભ ઉપર આંગળી અડાડી ને કીધું બોલો રાધેકૃષ્ણ .
અને ચમત્કાર થયો બાળક પણ બોલ્યું રાધેકૃષ્ણ .

મહેતાજી નાના હતા ત્યારથી જ ભક્તિમાં લીન હતા જાણે રાગ દ્વેષથી પર . સંયુક્ત કુટુંબમાં તળાજામાં ઉછર્યા . નાનપણ માં જ લગ્ન થયા . ભાભીએ મેણું માર્યું કે હવે ઘરની જવાબદારી ઉપાડો અને કમાણી કરો આમ કઈ જિંદગી કેમ કાઢશો?  એ નિર્મળ હૃદય ભક્તને હાડોહાડ લાગી ગયું અને ઘર છોડીને ચાલી નીકળ્યા . ક્યાં જવું એની કઈ ખબર નહિ . ચાલતા ચાલતા ભૂખ્યા તરસ્યા ગોપનાથ પહોચી ગયા ત્યાં તેમને  એક શીવલિંગના દર્શન થયા। દોડીને શિવલીંગને ભેટી પડ્યા આંખોમાંથી અશ્રુ ધારા વહેતી જાય અને એ અશ્રુનો અભિષેક પુરા સાત દિવસ સુધી કઈ ખાધા પીધા વગર થતો રહ્યો . અને ભોળિયા દાદા સાક્ષાત પ્રસન્ન થયા અને કીધું બેટા માગ માગ . પણ આતો નિર્મળ હૃદય ભક્ત શું માંગે? ભગવાને આગ્રહ કર્યો ત્યારે માગ્યું અને તે પણ શું? આપણે આફરીન થઇ જઈએ એવું માગ્યું કે પ્રભુ તમને જે દુર્લભ હોય એવું આપો . હવે આતો સાક્ષાત મહાદેવ એને વળી શું દુર્લભ હોય . પ્રભુ કે ચાલ  તને રાસલીલા જોવા લઇ જાઉં . કહે છે કે રાસલીલા જોતા મહેતાજી એટલા તન્મય થઈ ગયા કે તેમના હાથમાં મશાલ છે એ પણ ભૂલી ગયા હાથ પણ બળતો રહ્યો . શામળિયા નું  ધ્યાન ગયું અને શિવજીને પૂછ્યું કે આ કોણ? શિવજીએ કહ્યું નાથ આ તમારો પરમ ભક્ત છે આનો હાથ જાલો . બસ તે દિવસ થી શામળાજી એ એનો હાથ જાલ્યો તે જિંદગી પર્યંત સુધી .  ભગવાને વરદાન આપ્યું કે જયારે જયારે તમે કેદારો ગાશો ત્યારે હું સ્વયં હાજર થઈશ . મહેતાજી પરત ઘરે આવ્યા અને ભાભીના ચરણ માં પડી ગયા અને કહ્યું કે માં તમારા પ્રતાપે જ હું હર અને હરિના દર્શન કરી શક્યો . કદાચ ત્યાર પછીથીજ પેલું પ્રખ્યાત ભજન "  નાગર નંદજી ના લાલ રાસ રમંતાં મારી નથની ખોવાણી " લખાયું હશે 

દુનિયાદારીના જેટલા કામ મેહ્તાજીના  પરમાત્મા શ્રી કૃષ્ણે કર્યા છે એટલા કદાચ કોઈના નહિ કર્યા હોય પછી તે પિતાનું શ્રાદ્ધ હોય કે કુંવરબાઈનું મામેરું હોય કે  શામળશાના  વિવાહ કે પછી હુંડી. એકવાર તેમના પરબત કાકા એ કહ્યું ભાઈ ચાલ આપણે દ્વારકા જઈએ . મેતાજીને તો ભાવતું તું ને વૈદે કીધા જેવું થયું . તે જમાનામાં પગપાળા કે ગાડામાં જ પ્રવાસ થઇ શકતો . સાંજ થવા આવી પણ કોઈ ગામ દેખાય નહિ . એટલે એક સાવ સુનકાર મેદાન જેવી જગ્યામાં ભૂખ્યા ને તરસ્યા પડાવ નાખ્યો . રાત જામવા લાગી . ત્યારે તો દીવા બતી પણ ન હતા અને સાવ અંધારું ઘોર વાતાવરણ . એમાં પરબત કાકાને તરસ લાગી એટલે મહેતાજી અને કાકા કુવો શોધવા નીકળ્યા . થોડે દૂર કઈ વસ્તી જેવું લાગ્યું . એ નેસ હતો અને ત્યાં ભરવાડો રોટલા બનાવતા હતા . એમણે આ બંનેને કહ્યું ચાલો રોટલા જમો અમારી  સાથે . હવે પરબત કાકા તો પાછા ચુસ્ત નાગર ! હું કઈ આ લોકો સાથે નો જમું પણ આ કુવા માંથી પાણી પી લઈશ . મેહતાજી તો ભક્ત જીવ એમણે તો પ્રેમથી ભોજન લીધું . સવાર થઇ ને આળસ મરડીને ઉભા થયા ને જોયું તો ન મળે નેસ કે ન મળે કુવો . મહેતાજીએ કીધું કાકા આપણી ભૂખ ભાંગવા જ મારો શામળિયો આવેલો .

આવા સરળ સદભક્તને તે જમાનામાં લોકો એ સુખેથી રહેવા ન દીધા . કોઈએ કપટ કરી ને એમનો કેદાર રાગ ગીરવે મુકાવ્યો . અને કાવતરું કરીને જેલમાં મોકલી દીધા . જેલમાં જઈને કીધું કે બોલાવ તારા શામળાને . હવે કેદાર તો ગીરવે મુકેલો હતો એટલે ગવાય નહિ . પણ એનો હાથ સાક્ષાત પરમાત્મા એ જાલેલો . ખુદ ભગવાન નરસૈયા નો વેશ ધારણ કરીને કેદારો છોડાવી આવ્યા એટલું જ નહિ પણ જેલના બારણા તોડીને મહેતાજીના  હાથમાં મૂકી દીધો .

આવા ભક્ત શિરોમણી ને ફક્ત કવિ ન  કહેવાય . જેના ઉપર હરી અને હર ના હાથ હોય એ પ્રાકૃત માણસ થી પર હોય . એ જ એવા ખરા હૃદયથી ગાય શકે કે " કે મારે શામળિયા સરખો સરદાર રે શામળા ગિરધારી, હે મારે નથી કોઈની પરવાર રે શામળા ગિરધારી" . એ પરમ સંતના ચરણ કમળમાં કોટી કોટી પ્રણામ .