Wednesday, July 15, 2009

ગુરૂ

અજ્ઞાન રૂપી અંધકારમાંથી પ્રકાશ રૂપી તેજ આપણા જીવનમાં પ્રકાશિત કરે અને ઇશ્વરની સમિપ લઇ જાય તે ગુરૂ. ગુરૂ ગમે તે સ્વરૂપમાં હોઇ શકે એ જરુરી નથી કે તે ફક્ત માનવ સ્વરુપે જ હોય. તે વ્યક્તિ, પરિસ્થિતી, કોઇ ઘટનાં કે ગ્રંથ સ્વરુપે પણ હોઇ શકે. ગજેન્દ્ર મોક્ષમાં તે પરિસ્થિતી કે ઘટનાં સ્વરુપે છે જ્યારે શિખોના ગુરૂ ગ્રંથ સાહેબમાં તે ગ્રંથ સ્વરુપે પ્રકાશિત છે. ગુરૂ શબ્દને આપણે સામાન્ય વાતચિતમાં એટલો સસ્તો બનાવી દીધો છે કે ગમે તે આલ્યા માલ્યાને પણ " કાં ગુરૂ આજ કાલ કેમ દેખાતો નથી?" એવુ બોલતા સાંભળીએ છીએ. શાળાનાં શિક્ષકને પણ ગુરૂ કહેવાય અને આધ્યાત્મિક જ્ઞાન આપે એમને પણ ગુરૂ કહેવાય. તો પછી શું આ સર્વેને એક જ સરખા ગણાય?
આધ્યાત્મિક દ્રષ્ટીએ ગુરૂ ત્રણ પ્રકારના હોય છે.
૧. પાષાણ ગુરૂ : પાષાણ એટલે કે પત્થર. આ પ્રકારના ગુરૂ ન પોતે સંસાર સાગર તરી શકે કે ન શિષ્યને તારી શકે. શિક્ષકને આ કક્ષામાં મુકી શકાય.
૨. પર્ણ ગુરૂ: પર્ણ એટલે કે પાન અથવા પાંદડુ. આ પ્રકારનાં ગુરૂ એવા હોય છે જે પોતે તરી શકે પણ બીજાને તારી ન શકે. એકાંતમાં સાધના કરતાં આ સંતો પ્રચલિત નથી હોતા. આવા સંતો હિમાલય કે ગિરનારની ગિરીકંદરામાં પોતાની સાધનામાં વ્યસ્ત થઇ જ્ઞાન મેળવી પરમાત્મામાં લીન થઇ જતાં હોય છે.
૩. નૌકા ગુરૂ: નૌકા એટલે કે નાવ અથવા હોડી. આ પ્રકારનાં ગુરૂ સમર્થ અને સક્ષમ હોય છે કે જેઓ પોતે તો તરી શકે છે પણ બીજા અનેકને તારી શકે છે. સ્વામિ રામક્રિષ્ન પરમહંસ, સ્વામિ વિવેકાનંદ, સદૂગુરૂ શંકરાચાર્યજી.
એક સમર્થ ગુરૂ કોને કહેવાય તેમની વિષેશતા કઇ અથવા તો તેમનામાં કઇ ક્વોલિટી હોવી જરુરી છે?
૧. શિલ્પી: એક જડ પત્થરને કોતરી તેને પોતાની કલ્પનાં અનુસાર આકાર આપી શકે તે શિલ્પી. શિષ્યમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મદ અને મત્સર જેવા દુર્ગુણોને જ્ઞાન રુપી ટાંકણાથી દૂર કરી શકે તેવી ક્ષમતા એક ગુરૂમાં આપેક્ષિત છે.
૨. સુતાર: નિરાકાર લાકડા ઉપર અનેક ઓજારોનો ઉપયોગ કરીને તેને ફર્નિચરના વિવિધ આકાર આપવાનું કામ કરે તે સુતાર. એક સમર્થ ગુરૂ પણ પોતાના શિષ્ય ઉપર વિવેક, વૈરાગ્યને ઉપાસના જેવા ઓજારોનો ઉપયોગ કરી તેને જ્ઞાનવૃધ્ધ બનાવે છે.
૩. માળી: ફૂલ-ઝાડ ઉપર જ્યારે ડાળીઓ ખોટી દિશામાં વિકસતિ હોય ત્યારે તેને કાપીને વ્યવસ્થિત આકાર આપવાનું કામ કરે તે માળી. એક શિષ્યના અહંકારના વિકાસની ગતિ કુંઠિત કરીને તેને જડમુળથી દૂર કરવાનૂં કામ ગુરૂ જ કરી શકે.
૪. લુહાર: લોખંડના ટુકડાને સખત તાપમાં તપાવી અને વજનદાર હથોડી વડે ટીપીને યોગ્ય આકાર આપવાનું કામ કરે તે લુહાર. એક સમર્થ ગુરૂદેવ પણ પોતાના શિષ્યને ઉપાસના, તપ અને તપશ્ચર્યા રૂપી અગ્નિમાં તપાવી અને જ્ઞાનનાં હથોડાથી ટીપીને તેને પ્રકાશિત કરે છે.
૫. ગોલ્ડસ્મિથ: એટલે કે સોની. એક સોની તમારી હાજરીમાં તમારી સામે જ તમે આપેલ સોનુ ગાળે તો પણ સોનાનું એકાદ ટીપું એવી રીતે ઢોળે કે તમને ખબર પણ નો પડે. તેની જ જેમ એક સમર્થ ગુરૂ તમારામાં રહેલા અજ્ઞાનને એવી રીતે દૂર કરે કે તમને ખબર પણ ન પડે.

સમાજમાં અસંખ્ય પાષાણ ગુરૂ ભમે છે. લાંબી દાઢી, ભગવા વસ્ત્ર કે જટા ધારણ કરેલા, ચમત્કારથી અભિભૂત કરી દે તેવા બધા જ લોકો ગુરૂ બનાવવાને લાયક નથી હોતા. સાંસારિક લાભ કરાવી આપે એવા ગુરૂ શોધનારને આવા પાષાણ ગુરૂ જ મળે કારણ કે કહેવત છે ને લોભિયા હોય ત્યા ધૂતારા ભૂખે ન મરે. માટે જ આપણું ધ્યેય નક્કિ કરી અને ઇશ્વરની પાસે સાચા હ્રદયથી મંડ્યા રહિશુ તો પરમાત્માં સાચા ગુરૂ પાસે આપન઼ે લઇ જશે. એ જ સદગુરૂ પોતાના શિષ્યને આંગળી પકડીને પરમ સમિપ લઇ જાય ત્યારે શિષ્ય ગાઇ ઉઠે કે " ગુરૂ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરૂ આપની ગોવિઁદ દિયો બતાઇ ".

આવા સક્ષમ ગુરૂદેવ સૌને મળે તેવી પ્રાર્થના.

રેફરન્સ: શિશુવિહાર દિવ્યજીવન સંઘમાં શ્રી ભાવેશભાઇએ આપેલ પ્રવચન