Thursday, April 30, 2009

કો-ઓર્ડિનેશન,કો-ઓપરેશન અને ટીમ વર્ક

જીવનનાં કોઇ પણ કાર્ય ક્ષેત્ર ચાહે તે આર્થિક હોય કે સામાજિક, સેવા કે સુશ્રુષા, કૌટુંબિક, ધંધાકિય કે પછી રમતગમત હોય, તેમાં સફળતાના સોપાન સર કરવા માટેના ત્રણ અહેમ પાયા છે કો-ઓર્ડિનેશન,કો-ઓપરેશન અને ટીમ વર્ક.

કોઇ પણ કાર્ય ની સફળતા માટે પ્રથમ જરુરીયાત છે સર્જનાત્મક દ્રષ્ટિની એટલે કે વૈચારિક સમૃધ્ધિની. બીજા સ્થાને તમને આવેલા એ સર્જનાત્મક આઇડિયાને લોકો સમક્ષ રજુઆત કરવાની તેમજ તમારી ટીમના લોકોના પ્રશ્નોને આવકારી અને તેનુ નિરાકરણ કરવાની. ત્રીજુ પગથિયુ છે કાર્યના પ્લાનિંગની. ચોથુ સ્ટેપ છે ટીમ સિલેક્શન. ટીમ સિલેક્શનનુ અગત્યનું પાસુ છે ટીમ મેમ્બરની આવડત, કુશળતા અને રુચિનું. ટીમ મેમ્બરની ટેલન્ટનું શોષણ કરો તેની કુશળતાનું પ્રશંસાના શસ્ત્રથી ઉર્ધ્વિકરણ કરો. અને છેલ્લુ પગલું છે તમે નિર્ણય કરેલા કાર્યના અમલીકરણની.

ટીમ લીડરનું મુખ્ય કામ છે કો-ઓર્ડિનેશનનું. એક કુશળ લીડર માટે "ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલ" હોવી ખુબ જરુરી છે. તમારો સંદેશ કે સુચન બિલકુલ સ્પષ્ટ અને સરળ ભાષામાં હોવો જોઇએ. સંદેશો ગ્રહણ કરનાર વ્યક્તિને સમજાય તેવો યુઝર ફ્રેન્ડલી હોવો જોઇએ. ટીમ મેમ્બરનાં સ્વભાવ, વ્યક્તિત્વ અને મુડની જાણકારી જેટલી વધારે હોય તેટલી લીડરની અસરકારકતા વધુ. એક ટીમ લીડર પ્રભાવશાળી, આનંદી, શાંત છતાં પણ મક્કમ અને સૌમ્ય હોવો જરુરી છે.

ક્ષેત્ર ચાહે કોર્પોરેટનુ હોય કે કૌટુંબિક પણ જ્યારે સમુહમાં કોઇ કામ થતું હોય ત્યારે સંઘ ભાવના, પરસ્પરની સમજણ, એક બીજા માટે કઇંક કરી છુટવાની વૃત્તિ, જતુ કરવાની ભાવના વગેરેથી સંઘનું બળ વધે છે અને સફળતા તેમને વરે છે. આપણે સમજવું જોઇએ કે આપણે ટીમનું એક મહત્વનું અંગ છીએ અને તેથી એક ટીમ મેમ્બર હોવાથી આપણા કામને સંપૂર્ણ પણે સમર્પિત થઇ અને આપણી કુશળતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું જોઇએ.
આ ત્રણે ફેક્ટરનાં સમન્વયનુ શ્રેષ્ઠ ઉદાહરણ આપણું શરીર છે. ધારો કે તમને તરસ લાગી છે તો તમે ગોળા પાસે જઇ પાણી પી ને તરસ છીપાવો છો. આ પ્રોસેસમાં શુ બને છે? તરસની જાણ આપણા મગજને થાય છે અને મગજ આપણા પગને ડાયરેક્ટીવ આપે છે કે તમે ગોળા પાસે જાવ ત્યારબાદ એજ મગજ હાથને સુચના આપે છે કે પાણી ભરી મો સુધી લઇ જાવ ત્યારે પાણી પી શકાય છે. હવે વિચારો કે પગ એવી દલીલ કરે કે ભઇ તરસતો મોઢાને લાગી છે હું શુ કામ ગોળા પાસે જાવ? તેવી જ રીતે હાથ પણ કરે તો શું થાય? પાણી પીવા મળે? આપણું મગજ કો-ઓર્ડિનેટર છે, વિવિધ અંગો એક બીજાને કો-ઓપરેટ કરે છે અને આ ટીમવર્ક કાર્યની સફળતામાં પરિણમે છે.

Monday, April 13, 2009

પ્રોબ્લેમ અને સોલ્યુશન

તારક મહેતાની સીરીયલ "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ની શરુઆતના ગીતમા એક લીટી આવે છે "પ્રોબ્લેમ તો હૈ સભી કે સાથ સિર્ફ નજરીયે કિ હૈ બાત". જીવન છે એટલે સમસ્યા હોય જ અને સમસ્યા હોય એટલે ઉકેલ પણ હોય જ. જરુર છે શાંતિ, ધિરજ, વિચાર અને વિવેક બુધ્ધિની. કહેવતમાં કીધુ છે ને ઉતાવળા સો બાવરા અને ધિરા સો ગંભિર. એક નાનકડું ઉદાહરણ વાંચો.
મે એક નાની ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઇ હતી કે જેમાં એક મોટી ઉંમરના માજી ટ્રોલી લઇને "મોલ" મા ખરીદી કરતાં હતા. મોલમાં ગિર્દી હતી અને મોલના કર્મચારી ભાઇઓ પણ બધે ફરી રહ્યા હતાં. એમાં એક કર્મચારી ભાઇએ " ચીં ચીં ચીં" એવો અવાજ સાંભળ્યો. તેણે આસપાસ નજર કરી તો એને પેલા માજી દેખાણા. એને દયા આવી કે બિચારા માજીની ટ્રોલીના વ્હિલમાં અવાજ આવે છે, લાવ ઓઇલ પુરી દઉ. એણે એક કુપ્પી લઇ ટ્રોલી વ્હિલમાં ઓઇલ નાખ્યું. સસ્મિત વદને માજી સામું જોયુ અને માજીએ પણ સામે આભાર માન્યો. પણ જેવા માજી ટ્રોલી લઇને ચાલ્યા તો ફરીથી પેલો "ચીં ચીં ચીં" અવાજ આવ્યો. હવે કર્મચારી મુંજાણો કે આ અવાજ ક્યાંથી આવ્યો? આજુબાજુ નજર કરી ત્યારે એને ખબર પડી કે એક નાનું બાળક સીટી વાળા બુટ પહેરીને આવેલું અને "ચીં ચીં ચીં" અવાજ તો બુટમાંથી આવતો હતો. આમાંથી લેસન ઇ લેવાનું છે કે પ્રોબ્લેમ સમજ્યા વિના સોલ્યુશન ન આપવૂં. એટલે કે પહેલાં તો પ્રોબ્લેમ શું છે તે બરોબર રીતે સમજવુ જરુરી છે.

આવો જ એક પ્રોબ્લેમ એક સાબુ બનાવતી જાપાનીઝ કંપનીમાં થયેલો. તેમને એક ગ્રાહકે કમ્પ્લેઇન કરી કે મે ખરીદેલ સાબુનાં પેકેટમાં સાબુ જ ન હતો. પેકેટ ખાલી હતુ. કંપનીની ક્રેડિબીલિટીનો સવાલ હતો અને ઇસ્યુ ખુબ ગંભીર હતો એટલે રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટને કામ સોપવામાં આવ્યુ કે કોઇ એવી સિસ્ટમ બનાવો કે જેથી ફરીવાર આવુ ન બને. ઘણા બધાં સોલ્યુશન વિચારવામાં આવ્યા પણ એ બધાંજ ખુબ ખર્ચાળ હતા. પણ ડિસ્પેચ વિભાગનાં એક કર્મચારીએ સાવ સસ્તુ સોલ્યુશન આપ્યુ કે ડિસ્પેચ ચેનલ ઉપર એક મોટી સાઇઝનો પંખો મુકી દ્યો કે જેથી ખાલી પેકેટ ઉડી જાય. છે ને સિમ્પલ!

અમેરિકાનાં અવકાશ યાત્રિઓને પણ એક તકલીફ થયેલી. સ્પેસ શટલ શુન્યાવકાશની બહાર નિકળી જાય પછીથી પાયલોટની ઇન્ક પેન ચાલતી બંધ થઇ જતી હતી. પેનમાં વપરાતી ઇન્ક ડ્રાય થઇ જતી હતી કે જેથી ઇન્ક ફ્લો થતી ન હતી. આ તો અમેરિકા! તે દેશનાં વૈજ્ઞાનિકોએ રાત દિવસ એક કરીને એક એવી ઇન્ક શોધી કાઢી કે તે કોઇ પણ વાતાવરણમાં ફ્લો થાય. તેનો ખર્ચ ૪૦ બિલીઅન ડોલર થયો. આ જ પ્રોબ્લેમ રશિયાનાં વૈજ્ઞાનિકોને પણ થયેલો. પણ તે લોકોએ શુ કર્યુ જાણો છો? સિમ્પલ, પેનના બદલે પેન્સિલ વાપરવાનું નક્કિ કર્યુ.

લાગતુ નથી કે જીવનમાં પણ સમસ્યાના વખતે સમસ્યાનો જ વિચાર કરતા રહિએ તો મુંઝવણ વધતી જાય અને બી.પી. પણ વધતું જાય. આવા સંજોગોમાં સમસ્યાના ઉકેલ પર વિચાર કરતાં રહિએ તો સસ્તુ અને સરળ સોલ્યુશન મળી પણ જાય.

Tuesday, April 7, 2009

એક ફોરેનર નો પ્રશ્ન

એક્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં જોબ કરતો હોવાથી સ્વાભાવિક રીતે ફોરેનર્સ સાથે વાતો કરવાનો મોકો મળતો. એક ભાઇ જર્મનીથી આવેલા. તેમણે મને પૂછ્યુ કે તમારે ભારતમાં આટલા બધાં ભગવાન કેમ? અમે તો ફક્ત એક જ ભગવાનને માનીએ. એમની વાતો પરથી લાગ્યું કે સવાલમાં કુતૂહલ કરતાં કટાક્ષ વધારે હતો.

મે તેમને પૂછ્યું કે ભગવાને આ સૃષ્ટિની રચના કરી ત્યારે શા માટે વિવિધ પ્રકારનાં ફૂલ અને ફળ બનાવ્યા? એક જ પ્રકારનાં ફૂલ જેમ કે ગુલાબ, એક જ પ્રકારનાં ફળ જેમ કે કેરી બનાવી હોત તો ન ચાલત? શા માટે ત્રણ અલગ ઋતુઓ બનાવી? એક જ સ્ટાન્ડર્ડ ફોરમટ જેમ કે દુનિયામાં બધી જગ્યાએ ૨૦ ડીગ્રી ટેમ્પરેચર, ૨૫ ઇંચ વરસાદ રાખ્યો હોય તો ન ચાલે?

પ્રકૃત્તિની રચનામાં આટલી બધી વિવિધતા રાખવા માટે એક પ્રયોજન છે કાંઇક ખાસ કારણ છે. ઇશ્વરે માનવનું સર્જન કર્યુ ત્યારે બધાને ભલે શરીર એક સરખા આપ્યા પણ પ્રકૃત્તિ એટલે કે સ્વભાવ અલગ અલગ આપ્યા. દરેક વ્યકતિની પસંદ અલગ અલગ. એટલે જ દરેક વ્યક્તિને પોતાની પસંદગીને અનૂરૂપ ફૂલ કે ફળ મળી શકે અને સંતોષ પામે. તેવી જ રીતે ઇશ્વરનાં પણ વિવિધ સ્વરુપ છે. દરેકને પોતાની પ્રકૃત્તિ પ્રમાણે ઇશ્વરનુ જે રુપ પસંદ હોય, જેમાં તેની નિષ્ઠા હોય તેને ભજી શકે. જેમ કે સુરદાસજીને બાલ કૃષ્ણ, તુલસીદાસજીને ધનુર્ધારી રામ, નરસિંહ મહેતાના શામળા ગિરધારી. જેમની નિષ્ઠા માતૃસ્વરુપે ભજવાની હોય તેના માટે મહાલક્ષ્મી, મા સરસ્વતી, મા જગદંબે ભવાની, મા ગાયત્રી જેવા અસંખ્ય રુપ છે.

યાદ રાખવા જેવી વાત એક જ છે કે જે નરસિંહ મહેતા એ કહયું છે. "અખિલ બ્રમ્હાંડમાં એક તૂ શ્રી હરિ, જુજવે રુપે અનંત ભાસે." ઇશ્વર તો એક જ છે તે જ્યારે સર્જન કરે છે ત્યારે બ્રમ્હા, પાલન કરે છે ત્યારે વિષ્ણુ અને સંહાર કરે છે ત્યારે મહેશ.