મે એવુ સાંભળ્યુ છે કે ધારયતિ ઇતિ ધર્મ.જેને ધારણ કરી શકાય તે ધર્મ. વ્યક્તિ ચાહે ગમે તે ધર્મને અનુસરતો હોય, પાળતો હોય, ચાહે તે હિન્દુ હોય કે ખ્રિસ્તી કે પછી મુસ્લિમ કે પછી પારસી. કોઇ પણ ધર્મનુ મુખ્ય કામ એક માનવીમાં રહેલા સારા ગુણોને પ્રકાશીત કરી જીવનમાં અપનાવવાનુ કામ કરે છે.
આપણે સમાજમાં એવી વાતો થતી સાંભળીએ છીએ કે ફલાણા ભાઇ કે બહેન ખુબ ધાર્મિક છે. ત્યારે મનમાં સવાલ થાય કે ધાર્મિક એટલે શુ?
૧. સવારે ઉઠીને માળા ફેરવવી કે પુજા અર્ચના કરવી.
૨. ગાય કુતરાને રોટલી આપવી કે કોઇ ગરિબ ભીખારીને દાન કરવુ.
૩. નામ જપ, પૂજા, પાઠ, પ્રાર્થના કરવી.
૪. શ્રમ દાન કરવુ. કોઇ માંદા વ્યકતિની સેવા કરવી.
૫. ઉપવાસ કે એક ટાણા કરવા.
ઉપર દર્શાવેલ દરેક એક્ટિવીટી માણસને સારા માર્ગ પર લઇ જતી ટેવ છે. પણ શું તેથી તે ધર્મ કહેવાય? શુ કોઇ ચોક્કસ પ્રકારનાં વસ્ત્ર પહેરવાથી કે ચોક્કસ પ્રકારનુ તિલક કરવાથી જ ધાર્મિક કહેવાય?. મને લાગે છે કે તકલિફ એ છે કે ધર્મ કઇ કરવાની વસ્તુ નથી. ધર્મ એ જીવવાની રીત છે. કોઇ પણ કામ હાથમાં લેતા પહેલાં તેના પરિણામ વિષે તમારી વિવેક બુધ્ધિથી વિચારી લો. તમને સંતોષ થાય કે તમારા કામથી કોઇનુ કોઇ પણ પ્રકારે અહિત નથી થતુ ને! જો જવાબ સકારાત્મક હોય તો પછી તે કાર્યમાં ડુબી જાવ. તમારી સંપુર્ણ આવડત, કેળવણી હોશિયારીનો ઉપીયોગ કરી શ્રેષ્ઠ રીતે પાર પાડો.
૧. વિદ્યાર્થીને સાચુ શિક્ષણ આપવુ તે શિક્ષકનો ધર્મ છે.
૨. વ્યાજબી નફો લઇને ગ્રાહકને યોગ્ય તોલમાપ મુજબ માલ આપી વેપાર કરવો તે દુકાનદાર નો ધર્મ છે.
૩. નોકરિયાતે મન દઇને પુરા ખંતથી કામ કરવુ એ નોકરિયાતનો ધર્મ છે.
૪.માલિકે તેની મહેનતનું યોગ્ય વળતર ચુકવવું તે માલિકનો ધર્મ છે.
૫.જનતાની સેવા કરવી એ નેતાનો ધર્મ છે.
એટલે કે નિતી ધર્મ છે, પ્રમાણિકતા ધર્મ છે, સત્ય ધર્મ છે, અહિંસા ધર્મ છે. આવી રીતે જીવન ગુજારતી વ્યક્તિ સાચા અર્થમાં ધાર્મિક છે. જો આવી રીતે જીવન પસાર કરતાં હોઇએ તો પછી શા માટે મંદિરમાં જવું? મંદિરમાં સામાન્ય રીતે મનોકામના પૂર્ણ કરવાની વિનંતિ જ કરતાં હોઇએ છીએ. આપણી એક યા બીજા પ્રકારની માંગણી જ કરતા હોઇએ છીએ. પરમાત્મા પાસે માંગણી એટલી જ કરીએ કે પ્રભુ હુ તમારો છુ તમે મને એવી સમજણ આપો કે જેથી હુ ખરા અર્થમાં ધાર્મિક બનુ એવી શક્તિ આપો કે ગમે તેવા કપરા સંજોગોમાં પણ મારી શાંતિમાં ભંગ ન થાય અને સંજોગોનો સામનો કરી શકુ.
Thursday, September 9, 2010
Subscribe to:
Posts (Atom)