Sunday, October 25, 2009

ઇશ્ર્વરની ઉદારતા

આપણે જે દિવસથી જન્મ્યા તે દિવસથી ભગવાને આપણને કઇક ને કઇક આપવાની શરૂઆત કરી દીધી જે આજ સુધી સતત અને નિરંતર ચાલ્યાજ કરે છે. જન્મ સમયે જૈનોના ચોવીસ તિર્થંકરો જેવી ચોવીસ વસ્તુથી નવાજી દે છે.
૧.પંચ મહાભૂત: આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પ્રથ્વી.
૨. પાંચ પ્રાણ : પ્રાણ, અપાન, વ્યાન ઉદાન અને સમાન.
૩. પાંચ કર્મેન્દ્રીયો: હાથ, પગ, વાણી, પાયુ અને ઉપસ્થ.
૪. પાંચ જ્ઞાનેન્દ્રીયો: કર્ણ,ત્વચા,ચક્ષુ,રસના અને નાસિકા.
૫. મન, બુધ્ધિ, ચિત્ત અને અહંકાર.
ફક્ત દેહ આપીને પ્રભુને સંતોષ થાય ખરો? દેહની સાથે આભના તારલા જેટલા, પ્રેમ અને વાત્સલ્ય વરસાવતા અનેક સંબંધિઓ આપણને આપ્યા. બાળપણમાં સંસ્કાર સિંચતા માબાપ, યુવાનીમાં શિક્ષણ અને ઘડતર કરતા ગુરૂ તથા જીવન નિર્વાહ ચલાવવા માટે વ્યવસાય કે નોકરી. આપણા આનંદ પ્રમોદ માટે, ખળ ખળ વહેતા ઝરણા કે હિમાલય જેવી ગિરીક્દરા અને સૃષ્ટિનું અપ્રતિમ સૌંદર્ય ખોબલે ખોબલે ધરી દિધુ.
ઘર બાર, પતિ કે પત્નિ, બાળકો, સમૃધ્ધિ અને ઐશ્ર્વર્ય જેવી તમામ વસ્તુ અપણને આપી. છતાં પણ ભગવાન પાસે આપણી માંગણીનું લિસ્ટ ક્યરેય પુરૂ થાય છે? યાદ કરો આપણે ભણતા ત્યારે પરિક્ષા વખતે ભગવાન ને કહેતા કે હે ભગવાન મને સારા માર્કે પાસ કરી દેજો.મોટા થયા એટલે હે ભગવાન સારી પત્નિ કે સારો પતિ આપજો. લગ્ન થયા એટલે હે ભગવાન ઘરે બાળકો આપજો. બાળકો મોટા થાય એટલે હે ભગવાન એના લગ્ન જલદી થી કરી અપજો. બાળકના લગ્ન થાય એટલે હે ભગવાન એના ઘરે પારણુ બાંધી આપજો. આ તો આપણે વ્યક્તિગત વાત કરી. મારા તમારા જેવા કરોડો લોકોની માંગણી પુરી કરતાં એ પરમ દયાળુ પરમાત્મા થાકતા નહિ હોય?

સંસારનો નિયમ છે કે જેણે આપણા માટે કંઇ કર્યુ હોય તેના માટે આપણે પણ કંઇક કરવું જોઇએ. એને આપી શકવાની આપણી હેસિયાત કેટલી? જે કરોડો લોકોને કારોડો આપી શકે એને હું કે તમે શું આપી શકવાના? પણ એક થઈ શકે કે આપણે ભગવાનને આનંદ આપી શકીએ. કોઈ આપણને અન્યાય કરે ત્યારે આપણે નથી કે'તા કે સાહેબ આમા ઇશ્ર્વર રાજી નઇ રે! તો આપણે કઇક એવુ કરીએ કે જેથી હરિને હરખ થાય.સામાન્ય રીતે લોકો પૈસાનું અનુદાન કરી સંતોષ માની લેતા હોય છે. સારી વાત છે. તેનાથી કોઇનુ હિત પણ થશે. પણ જો સમય ફાળવીને લોકો સુધી પહોંચશો તો તમે વ્યક્તિનાં દુ:ખને પણ જાણી કે અનુભવી શકશો. તમારી ભાવનાત્મક લાગણીને ઉર્દ્વગામી કરીશ્ શકશો. કદાચ એવુ બનશે કે તમે તેનું દુ:ખ હળવુ ન કરી શકો પણ એક વસ્તુ ચોક્કસ થશે કે તેનુ હૈયુ જરુર હળવુ થશે. વૃધ્ધ લોકોની વાત શાંતિથી સાંભળો અને જુઓ એમના ચહેરા ઉપર આનંદની લહેરખી. બીજુ કઇ ન કારો તો વાંધો નહિ પણ સામેની વ્યક્તિને ખુશી કે આનંદ મળે એવો વિચાર જરુર કરજો.