Monday, May 16, 2011

સફળતા

સવારમાં ઉઠ્યા ત્યારથી તે રાતે સુઇએ ત્યા સુધી આપણે જે કઇ કામ કરીએ છીએ તે જાણે સફળતા માટે જ કરીએ છીએ. પછી તે કામ પાણી પીવાનુ હોય કે સ્કુટર ચલાવવા જેવુ ક્ષુલ્લક કામ હોય કે પછી કંપનીમાં આપવાનું પાવર પોઇન્ટ પ્રેંઝન્ટેશન હોય. બસ સફળતા આપણાં રોમેરોમ પર સવાર થઇ ગઇ છે. પણ શું આપણે વિચારીએ છીએ કે આપણે ધારેલું કોઇ કામ સફળતા પુર્વક પાર પાડીએ તેનુ પરિણામ શું આવ્યું? સફળતાને પરિણામની દ્રષ્ટિથી જોતા તેને ત્રણ વિભાગમાં વર્ગિકૃત કરી શકાય.

અ) તામસી:-
યેન કેન પ્રકારેણ, સામ, દામ, દંડ કે ભેદ નિતી વડે બસ આપણું ધ્યેય પાર પાડવુ પછી બીજા બધાનું જે થવું હોય તે થાય આ પ્રકારે મેળવેલી સફળતાને તામસી સફળતા કહેવાય. દા.ત.

૧. એક વેપારી તેના ગ્રહકને છેતરીને દુપ્લીકેટ માલ આપી ઓરિજનલના પૈસા લે.
૨. એક વિદ્યાર્થી પરિક્ષામાં ચોરી કરી સારા માર્ક લાવે.
૩. એક આતંકવાદી નિર્દોષ લોકોને બોમ્બથી મારી નાખે.
૪. એક કર્મચારી લાંચ લઇને કોઇ કામ કરી આપે.
૫. સાધુનો વેષ ધારણ કરી કોઇના વિશ્ર્વાસઘાત કરે.
૬. એક ડોક્ટર ખોટી દવાઓ અને ઇન્જેક્શન આપી દર્દીને વેતરે.
૭. કોઇ વકિલ કેસ લંબાવીને તેના અસીલને ખંખેરે.

ઉપર આપેલા ઉદાહરણમાં દરેક જણ પોતાની રીતે સફળ જ ગણાય ખરા? કોઇનુ અહિત કરી, કોઇનો હક્ક કપટથી લઇને પોતાની જાતને હોશિયાર ગણતાં લોકોની વ્યાખ્યા પ્રમાણે તે જરુર સફળ ગણાય. આવી ભ્રામક સફળતા વ્યક્તિને શોર્ટ ટર્મ આનંદ ચોક્કસ આપે અને આવા લોકો પોતાની જાતને જ છેતરવાની કળા વિકસાવતા રહે.

રાજસી:-
સમાજમાં આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે " ઇ શું એમ સમજે છે કે મને નથી આવડતુ? " કે " હવે જોજે હુય દેખાડી દઇશ. " અહિ એમ લાગે છે કે કોઇના અહંકારને ઠેસ પહોંચવાથી તેના પરિણામ સ્વરુપે માણસ પોતાની ક્રિયામાં જોડાઇ જાય અને સખત મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરે. અહિ સફળતા ગૌણ બની જાય પણ અહંકાર સંતોષ મુખ્ય બની જાય. એટલે કે અહંકાર સંતોષ જ સફળતાનુ ચાલક બળ બની જાય છે. દા.ત.

૧) વેસ્ટ ઇન્ડિઝ નો બેટ્સમેન ક્રિસ ગેઇલને વેસ્ટ ઇન્ડિઝની ટિમમાંથી પડતો મુક્યો અને એણે આઇપીએલમાં જોડાઇને બોલરોની સખત ધોલાઇ કરી. પરમેશ્વરનની એક જ ઓવરમાં ૩૭ રન લીધા અને બે સેન્ચ્યુરી લગાવી.
૨) પાંડવોને એક તસુ જેટલી જમીન આપવાની કૌરવોએ ના પાડી તેથી મહાભારતનું યુધ્ધ થયું અને પાંડવો વિજયી બન્યા.
૩) મેરિત્સબર્ગ રેલ્વે સ્ટેશને મહાત્મા ગાંધીજીને ફર્સ્ટક્લાસની ટિકીટ હોવા છતાં પણ ટ્રેનમાંથી બહાર ફેકી દેવાયા તે ઇતિહાસ જગ જાહેર છે.

ઉપર આપેલા ઉદાહરણમાં દરેક જણ પોતાની રીતે સફળ તો ગણાય પણ સફળતા ગૌણ બની જાય છે અથવાતો ગૌરવ ખંડન કે અહંકાર સંતોષનું કારણ બની જાય છે.

સાત્વિક:-

સ્વામિ વિવેકાનંદજીનું એક શ્રેષ્ઠ ઉદાહરણ યાદ આવે છે. બ્લેક બોર્ડ પર દોરેલી લીટીનો. તમારી લીટી મોટી બનાવો. એટલે કે "યોગ: કર્મસુ કૌશલમ" તમે જે પણ કાર્ય કરો તેમાં તમારામાં રહેલી આવડત, કુશળતા અને હોશિયારી લગાવી એવું દિલ દઇને કામ કરો કે પરિણામ તમારી તરફેણમાં જ આવે. તમારા કાર્યનો હેતુ કોઇનું પણ અહિત કર્યા સિવાય કે કોઇ પણ જાતના રાગ કે દ્વેષ રાખ્યા સિવાય કરો. બસ તુલસીદાસજી મહારાજની જેમ "સ્વાન્ત: સુખાય" તમારા આનંદ માટે, તમારી આવડત કે હોશિયારીનો તમે પોતેજ ટેસ્ટ કરતા જાવ, તમારી કુશળતા ક્રમશ: વધારતા જાવ જયાં સુધી તમને સંતોષ ન થાય ત્યાં સુધી.

મહાત્મા ગાંધી એક અતુલ્ય ઉદાહરણ છે. પણ સામાન્ય માનવીમાં તો અગણિત છે. સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, સર આઇઝેક ન્યુટન કે કોઇ પણ વૈજ્ઞાનિક વિગેરે.

ટેલિફોનનાં શોધક એલેકઝાન્ડર ગ્રેહામ બેલને કોઇ પત્રકારે સવાલ પુછ્યો કે તમારી શોધ કરવાની પ્રોસેસમાં તમે હઝાર વાર નિષ્ફળ ગયા ત્યરે તમે શુ વિચારતા? બેલે કહ્યુ કે હુ એમ વિચારતો કે સાચી સફળતા પહોંચવાનાં એક હઝાર રસ્તા છે.