Monday, October 22, 2012

ઓહ માય ગોડ

આસ્તિક અને નાસ્તિક અને તર્ક અને શ્રદ્ધા  તેની સમજણ આપતી અને  વિશ્લેષણ કરતી આ ફિલ્મ ખરેખર જોવા જેવી છે।

ઈશ્વરના અસ્તિત્વને માને તે  આસ્તિક અને ન માને તે નાસ્તિક। સામાન્ય માન્યતા અહી અટકી જાય છે। ઈશ્વરના અસ્તિત્વને માનનારને ધાર્મિક માણસ ગણીએ છીએ। એટલે સવાલ એ આવે કે  ધાર્મિક એટલે શું? જે રોજ સવારે મંદિર જાય સેવા, માળા, પૂજા, દાન કરે એટલે આપણે કહીએ કે ભાઈ ધાર્મિક છે। નરસિંહ મેહતાનું એક સુંદર કાવ્ય યાદ આવે છે।

જ્યાં લાગી આત્મા તવ ચીન્યો નહિ ત્યાં લગી સાધના સર્વ જુઠી

મનખા દેહ તારો એમ એળે ગયો માવઠાની જેમ વૃષ્ટિ વુંઠી

શું થયું સ્નાન પૂજાને સેવા થકી? શું થયું ઘેર દઈ દાન દીધે?

શું થયું ધરી જપ ભસ્મ લેપન કર્યે? શું થયું ગંગાજળ પાન કીધે?
શું થયું તપ ને તીરથ કીધા થકી? શું થયું માળ ગ્રહી નામ લીધે?

એ છે પરપંચ સૌ પેટ ભરવા તણા આત્મારામ પરિબ્રહ્મ ન જોયો

ભણે નરસૈયો કે તત્વ દર્શન  વિના રત્ન ચિન્તામણી જન્મ ખોયો।

જવાબ સ્પષ્ટ છે કે "એ છે પરપંચ સૌ પેટ ભરવા તણા।"

ફિલ્મમાં દેખાડે છે
  •  કોઈએ કહ્યું કે ભગવાન દૂધ પીવે છે એટલે લોકો ગાડરિયા પ્રવાહમાં ભળી જાય અને ઘરે ફોટાને  દૂધ પીવરાવે છે।
  • શિવજીના મંદિરમાં લોકો દૂધ ચડાવે છે જે થાળામાંથી સીધું ગટરમાં જાય છે।
  • માથાના ઉતરાવેલા વાળ વિગ બનાવવા માટે એક્સપોર્ટ થાય છે।
  • ભગવાનને ફક્ત મંદિરમાં રાખી આશ્રમો તેના રખેવાળ બની લોકોની ભાવના સાથે ખિલવાડ કરે છે।
  • ભગવાન સ્વયં કહે છે કે લોકો મારી પાસે એક્સચેન્જ ઓફર લઇ આવે છે કે તમે મારું આટલું કામ કરી દ્યો તો હું  આમ કરીશ।
  • જે વ્યક્તિ સંત તરીકે પૂજાયા કે જેમણે પોતે ગરીબાઈ ભોગવી અને દરિદ્ર નારાયણની સેવા કરી તેના મંદિર બંધાયા તે કેવા કે જેના ઉપર સુવર્ણનો મુકુટ અને વાઘા પહેરાવ્યા। 
વેદાંતમાં ભગવાનને નિરાકાર કહેવાયા છે। એટલે કે તેમને કોઈ રૂપ કે આકાર નથી। દરેક વ્યક્તિમાં ચૈતન્ય રૂપે ભગવાન સમાયેલા છે। એ ચૈતન્ય છે ત્યાં સુધી આ શરીર બધી ક્રિયાઓ કરી શકે અને એ ચૈતન્ય શરીર માંથી બહાર જાય એટલે માણસની બધી ક્રિયા બંધ થઇ જાય।
પ્રશ્ન અહીંથી શરુ થાય છે। તો પછી માણસ કોની પૂજા અર્ચના કરે?  એટલે નામ રૂપ આપી ભગવાન પ્રગટ થયા। ભગવાનમાં શ્રદ્ધા અને ભાવ હોવાથી લોકોએ મંદિરો અને આશ્રમો બનાવ્યા। એટલે માણસે પહેલા ભગવાન બનાવ્યા અને પછી ભગવાનને બનાવ્યા અને ભગવાનને નામે લોકોને બનાવ્યા। એટલે કે જ્યાં લોકોનું ફેક્ટર જ્યાં આવ્યું ત્યાં તકલીફ શરુ થઇ।

લોકો આમ શા માટે ખોટું કરે છે? એનો જવાબ નરસિંહ મેહતા સાડા ચારસો વર્ષ પહેલા આપી ગયા કે "ભણે નરસૈયો કે તત્વ દર્શન  વિના રત્ન ચિન્તામણી જન્મ ખોયો।" અજ્ઞાનને લીધે આપણે સર્વમાં ઉપસ્થિત ઈશ્વરને જોઈ શકતા નથી। શરીર રૂપે વ્યક્તિ અલગ છે પણ આત્મ સ્વરૂપે એકજ છે। જો એવું ઐક્ય આપણે અનુભવી શકીએ તો કોણ કોને હાની કરે? માટે જ ભગવાને ગીતામાં કહ્યું છે કે મને જ્ઞાની ખુબ વહાલા છે

ફિલ્મ જોઇને મને અમુક વિચાર આવ્યા

  •  પ્રતિક રૂપે શિવજીને દુધની લોટી ચડાવી બાકીનું દૂધ જરુરીયાતમંદને ન આપી શકાય?
  •  શ્રીમદ ભગવત ગીતામા ભગવાને કહ્યું છે કે પુષ્પમ, પત્રમ, ફલમ, તોયમ મને ભાવથી અર્પણ કરો તો હું સ્વીકારું છું। તો પછી મંદિરમાં સોના, દાગીના, હીરા, માણેકની ધરવાની  જરૂર છે ખરી? આ એટલા માટે કહું છું કારણ કે અંતે તો માણસો  જ વહીવટ કરવાના છે।
  • ભગવાન પાસે માગવાનો હક્ક છે પણ શરતી માંગણી કરાય ખરી કે મારું આ કામ થઇ જાય તો હું એટલું કરીશ?  "જો હાથને મારા ફેલાવું તો ખુદાઈ દુર નથી અને હું માગું અને તું આપે એ વાત મને મંજુર નથી, મારે જોવો છે તને અને તારે દેખાવું નથી આજ કરી લે ફેસલો કાં  હું નથી કાં તું નથી"  
ભગવત ગીતામાં સ્વયં ભગવાને કહ્યું છે કે મને જ્ઞાની સૌથી પ્રિય છે। જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો અને સર્વેમાં બિરાજમાન ઈશ્વરને નિહાળવાનો પ્રયાસ કરીએ। ખોટા ગાડરિયા પ્રવાહમાં ભળ્યા વિના આત્માના અવાજ અનુસાર નરસિહ મહેતા એ કહ્યું છે તેમ "આપણે આપણા કરમ સંભાળવા કરમનો  મરમ લેવો વિચારી "