ચિદાંબરમ સાહેબ
તમને કદાચ ખબર તો હશે જ કે દિલ્હીની હાઇકોર્ટ બહાર બોમ્બ બ્લાસ્ટ થયો.
મહેરબાની કરીને તમારા વહિયાત નિવેદન ન આપશો કે આ બોમ્બની બનાવટ શેમાથી થઇ છે અને તેમાં કયુ ટાઇમર વપરાયુ છે. અમારે તમારી પાસેથી બોમ્બ બનાવવાની ટેકનોલોજી નથી જાણવી કે બોમ્બ બનાવટનું જનરલ નોલેજ નથી વધારવું.તમે તો શાંતિથી કહી દીધુ કે અમે તો પોલિસને જુલાઇ મહિનામાં જ કહિ દીધુ હતુ કે આતંકવાદી હુમલો થઇ શકે. જો ભાઇ, આ માહિતી તો અમારા ગામનાં નાના છોકરા પણ જાણે છે. મુખ્ય સવાલ એ છે કે હુમલો કયાં અને ક્યારે થશે એ ખબર હોવી જોઇએ. આ પોલિસ કોના હાથ નીચે કામ કરે છે? એને માર્ગદર્શન આપવાની જવાબદારી કોની? તમે તો પાછા કેમ્બ્રિજ યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ છો તમને તો એડમિનીસ્ટ્રશનું નોલેજ નથી? પેલા કેજરીવાલ ક્યારના એકાઉન્ટેબિલીટીની એટલે કે જવાબદારીની વાત કરે છે તો શુ ખોટુ કહે છે? આ શરમજનક હુમલાની તમારી કઇ જવાબદારી ખરી કે નહિ? તમારી પાસે તો કેટલી બધી તપાસ એજન્સીઝ અને ઇન્ટેલિજન્ટ એજન્સીઝ છે. એ બધાને કઇ માહિતી ભેગા કરવા મોકલ્યા છે? એ બધા તો રામદેવબાબા, અન્ના હઝારે, કેજરીવાલ કે કિરણ બેદી ની જાસુસી કરવામાંથી નવરા પડે ત્યારે આવા કામ કરેને!
દર વખતે તમે શોધી કાઢો છો કે આ ઘટના પાછળ આઇએસઆઇનો હાથ છે. હા છે તો પછી શું? અમેરિકામા ૯/૧૧ થયાને આજે દસ વર્ષ થયા. આ દસ વર્ષમાં ત્યાં એક પણ આતંકવાદી હુમલો થયો છે? એક હુમલો થયો અને તેણે કેવા પગલા લીધા. આપણી જેમ ૨૬/૧૧ની ફાઇલ લઇને આંટા મારતા નથી. ઓબામાં પાસે ફરિયાદ કરવાથી આપણી લડાઇ અમેરિકા નહિ લડે.આપણે જ પગલા લેવા પડે ભાઇ આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય.
અને હા, દર વખતે બ્લાસ્ટ થયા પછી તમે પ્રજાની પ્રશંસા કરો છો કે જુઓ બાર કલાકમાં તો માણસો કેવા નોર્મલ થઇ કામ ધંધે લાગી ગયા. ભાઇ પ્રજા તો બહાદુર છે જ એને તમારા વાહિયાત સર્ટિફીકેટની જરુર નથી. પણ તમને ક્યાથી ખબર હોય કે જો અમે કામ ન કરીએ તો અમારા ઘરે રાતનો રોટલો ન ખાઇ શકીએ. અમારી તાવડી પોરો લઇ જાય સાહેબ એનું કંઇ ભાન છે તમને? વખાનાં માર્યા અમે બ્લાસ્ટની જગ્યાએ વારંવાર જઇએ છીએ એ અમારી મજબુરી છે નહિતર તો તમારી જેમ ઝેડ પ્લસની સિક્યુરિટી સાથે બનાવનાં સ્થળે નો જઇએ જેથી કઇ નુકસાન ન થાય, કાલે સમાચારમાં તમે એવુ બોલ્યા કે સી સી ટિ વી કેમેરાનાં ટેન્ડર ત્રણવાર તો રિજેક્ટ કરવા પડ્યા એટલે કેમેરા મુકવાનું જરા મોડુ થયુ. મને તો એ જ ખબર નથી પડતી કે તમે તમારા ખાતામાં કેવા માણસો ભરતી કર્યા છે કે એક આવુ સાદુ કામ પણ ત્રણત્રણ વાર કરવુ પડે છે. અને શા માટે રિજેક્ટ કર્યા એની જાણકારી તો તમે ન આપી. પણ એક વસ્તુ તો ચોક્કસ સમજાય છે કે તમારા માણસો બધા પેલા અન્ના હઝારે કહે છે એવા લબાડ જ લાગે છે.
હવે ખરુ કહુને સાહેબ કે અમને તમારી આવડત પરથી વિશ્વાસ નથી રહ્યો એટલે અમારી બે હાથ જોડીને વિનંતી છે કે મહેરબાની કરીને તમે રાજીનામુ આપીને ગ્રહખાતુ કોઇ સરદાર વલ્લભભાઇ જેવા દેશાભિમાની માણસને આપો કે જેથી અમે સલામતિ પુર્વક જીવીએ અને અમારુ પેટિયુ રળી ખાઈએ.
ભગવાન તમને સદબુધ્ધી આપે. લ્યો ત્યારે રામ રામ
લી: એક ભારતિય નાગરિક
Thursday, September 8, 2011
Subscribe to:
Posts (Atom)