Sunday, July 19, 2015

ભગવાન કરે ઈ સારા માટે

મન એ પરમાત્માએ આપેલી સુંદર રહસ્યમય ભેટ છે. જો તેનો સારો ઉપયોગ કરો તો જીવન સરળ બની જાય અને વિપરીત ઉપયોગ કરો તો જીંદગી દોઝખ બની જાય. વિચારની ઉત્પત્તિનું સ્થાન મગજ છે. એટલે કે જો વિચાર ઉપર આપણે કાબુ રાખી શકીએ તો મનનો સારો ઉપયોગ થાય.

એક બહુ સુંદર વાત  એક રાજા અને એમના પ્રધાનની સાંભળેલી. પ્રધાન ને એક એવી ટેવ કે કઈ પણ બનાવ બને એટલે એમ કે કે "ભગવાન કરે ઈ સારા માટે."  હવે એકવાર એવું બન્યું કે રાજાને મૃગચર્યા કરવાનું મન થયું એટલે એમણે પ્રધાનને કીધું કે કાલે મારે મૃગચર્યાકરવા જવું છે અને તમે પણ મારી સાથે આવજો. અને હા કોઈ પણ સિપાઈ સાલાર ને લીધા વિના આપણે જશું. બીજે દિવસે પ્રધાન તો રાજમહેલમાં પહોચી ગયા અને જોયું તો રાજા ફળ સમારતાં હતા એમાં છરી વાગતા એમની આંગળી કપાઈ ગઈ. હવે પ્રધાને તો પોતાની ટેવ પ્રમાણે કઈ દીધું કે  "ભગવાન કરે ઈ સારા માટે." હવે રાજાને એક તો વાગેલું એમાં પ્રધાનજી આવું બોલે તો શું થાય? રાજાને એવો ગુસ્સો ચડ્યો કે તાત્કાલિક પ્રધાનને જેલ ભેગો કરી દીધો. હવે આ તો રાજવી એની સામે તો બોલાય નહિ પણ તોય એ એટલું જરૂર બોલ્યો કે  "ભગવાન કરે ઈ સારા માટે." હવે રાજા વિચાર કરવા લાગ્યો કે આ પ્રધાનજી માં બુધ્ધી છે કે નહિ? એક તો મેં જેલની સજા કરી તોય પાછો એમ કે છે કે ભગવાન કરે ઈ સારા માટે?

ખેર! રાજા તો પોતે નક્કી કરેલા પ્લાન મુજબ એકલા મૃગચર્યા કરવા નીકળી ગયા. હવે બન્યું એવું કે એક મૃગનો પીછો કરતા કરતા એ એક જંગલમાં વસતા આદિવાસીના વિસ્તારમાં આવી ગયા. જંગલી આદિવાસી એ એમને પકડીને પોતાના આદિવાસી રાજવી પાસે લઇ ગયા અને કહ્યું કે આ માણસ આપણા વિસ્તારની અંદર જાસુસી કરવા આવેલો. મહારાજ આપ કહો એ સજા કરીએ. રાજાએ હુકમ કર્યો કે આનો બલિ આપણા માતાજીને ચડાવો. રાજાએ બે હાથ જોડી આદિવાસી રાજાને કહ્યું કે હું તો અહી મૃગચર્યા કરવા આવેલો આપ મને માફ કરો. હવે આદિવાસી રાજાનું ધ્યાન એ જાસૂસના હાથ પર ગયું તો એમણે જોયું કે આની તો આંગળી કપાયેલી છે. આવા ખંડિત માણસ નો બલિ ન ચડાવાય. આને છોડી મુકો.

રાજા પોતાના મહેલમાં પાછો ફર્યો અને તરત જ પેલા પ્રધાનને પોતાની પાસે હાજર કરવાનું ફરમાન કર્યું. રાજાએ પ્રધાનની માફી માગી અને પોતાની વાત વિસ્તારથી કહી અને પ્રધાનને સવાલ પૂછ્યો કે એતો સારું થયું કે મને છરી વાગી ને હું બચી ગયો પણ તમારે તો વગર મફતની જેલ ની હવા ખાવી પડી એનું શું? ત્યારે પ્રધાને જવાબ દીધો કે મહારાજ જો હું તમારી સાથે આવ્યો હોત તો તમે તો શારીરિક રીતે ખંડિત હતા એટલે બચી ગયા પણ હું તો અખંડ હતો એટલે મારો બલિ ચડી જાત.



  

Monday, July 13, 2015

દુ:ખ અને દર્દ વચ્ચે નો ફરક

" મારાથી આનું દુખ અને દર્દ જોયું નથી જતું " આવું આપણે સામાન્ય વાતચીતમાં બોલતા હોઈએ છીએ. પણ આ બંને શબ્દોના અર્થ ભલે એક જેવા લાગે પણ બંને અલગ છે.

જોડા પહેર્યા વગર ચાલતા જઈએ ને પગમાં કાંટો કે પથ્થર વાગે, ડોક્ટર ઇન્જેક્શન આપે, ભીત સાથે માથું ભટકાય કે પછી વાહન સાથે ભટકાઈ જઈએ અને જે કઈ શરીરને અનુભતી થાય તે દર્દ. એટલે કે બહારની કોઈ પણ ક્રિયા વડે શરીરને થતી એક અનુભૂતિ એટલે દર્દ. દર્દ કે પીડા ભોગવવી જ પડે એમાં કોઈ છુટકારો નથી. 

કોઈ આપણી ટીકા કરે, આપણને ન ગમે તેવું બોલે, કોઈ દુર્ઘટના બને, અતિ વ્રષ્ટિ કે અનાવૃષ્ટિ થી લોકો ને તકલીફ થાય કે પછી કોઈ  ઘટના બને ત્યારે જે અનુભૂતિ થાય તેને દુ:ખ કહેવાય. દુ;ખ ને વ્યક્તિની સંવેદનશીલતા સાથે સબંધ છે. સંવેદનશીલતા મન સાથે જોડાયેલ છે. એટલે કે મન સાથે  સબંધ છે. જેમ દરેક  એક સરખી સંવેદનશીલ નથી હોતી એટલે કોઈને વધારે કે કોઈને ઓછું દ:ખ થાય અને પથ્થર  દિલ વ્યક્તિ ને કદાચ કઈ ન થાય. દુ:ખ મનની પરિસ્થિતિ ને આધારિત છે. એ આપણી સમજણ કે ગેર સમજણ થી ઉપજાવેલ પ્રોડક્ટ છે. એટલે કે બહાર બનતી ઘટનાનું આપણા મને કરેલું વિશ્લેષણ છે.  દુ:ખી થવું કે ન થવું એ આપણી સમજણ પર આધારિત છે. 

આ પવિત્ર પુરુષોત્તમ માસ માં પ્રભુ પાસે એકજ પ્રાર્થના કે અમને સાચી સમજણ આપજો કે જેથી અમે ભટકી ન જઈએ.