Thursday, May 5, 2016

ધર્મ

મિત્રો, સ્નેહી કે સબંધી ને વાત કરતા સંભાળીએ છીએ કે ફલાણા ભાઈ કરોડો પતિ કે જેને ઘેર સમૃધ્ધી અને જાહોજલાલી હતી ને શી ખબર શું થયું કે એ તો સાવ ગરીબ થઇ ગયા અને ફૂટ પાથ પર આવી ગયા. આમ તો બહુ ધાર્મિક છે રોજ સવારે મને મંદિરમાં અચૂક મળે, સત્સંગ કીર્તનમાં પણ આવતા પણ ખબર ની શું થઇ ગયું બિચારા ને ભારે થઇ.

એટલે કે આપણો ધર્મનો અર્થ એવો કે માળા, સેવા, પૂજા, સત્સંગ, ભજન અને કીર્તન કરીએ તો ધાર્મિક કહેવાઈએ પછી ભલે જીવન ગમે તેવું જીવીએ. વેપાર અને વ્યવહાર માં ધર્મ નો હાલે એ તો સગવડ પ્રમાણે જ હાલે. આ એક એવી જબરી ગેર સમજણ છે કે ધર્મ અને વ્યવહાર એ બંને જુદી વસ્તુ છે. હકીકત તો એ છે કે વ્યવહારમાં ધર્મથી જીવાય.

તો પહેલો સવાલ એ થાય કે શા માટે ધર્મથી જીવવું જોઈએ. તો જવાબ સરળ છે કે સુખ અને શાંતિ થી જીવવા માટે. હવે ધર્મ એટલે શું અને ધર્મથી જીવવું એટલે શું એવો સવાલ જરૂર થાય. સંસ્કૃત માં કહ્યું છે કે ધારયતિ ઇતિ ધર્મ. એટલે કે ધર્મને ધારણ કરવાનો છે. ધર્મ ને ધારણ કરવો હોય તો ધર્મ એટલે શું એ સમજવું પડે.
નીતિ એટલે ધર્મ
પ્રમાણિકતા એટલે ધર્મ
સત્ય એટલે ધર્મ
દાન, દયા, કરુણા એટલે ધર્મ.
ટુકમાં નૈતિક રીતે જે પણ સારા ગુણો છે તે દરેક ધર્મ છે માટે તેને ધારણ કરવા જોઈએ. આ ગુણો ની ઉત્તરોતર વ્રધ્ધી થવાથી આપણું  ચિત્ત શુધ્ધ થાય અને પ્રભુને પામવાનું આ પહેલું પગથીયું છે. આપણા રોજ રોજ ના વ્યવહારમાં જો નીતિ, પ્રમાણિકતા, સત્ય, દયા અને દાન જેવી શુદ્ધિથી કર્મો થાય તો હૃદય નિર્મળ બને અને પરિણામ સ્વરૂપે મન શાંત થાય. કોઈના પ્રત્યે ગુસ્સો, નફરત, રાગ કે દ્વેષ ન થાય અને જીવન સરળ રીતે ચાલે.

આ સમજવું જેટલું સરળ છે એટલું જ જીવનમાં અપનાવવું અઘરું છે. એને માટે આપણે  જે કઈ કર્મ કરીએ તે જાગૃત રહીને કરીએ. અને આ જાગૃતિ કેળવવા માટે જ માળા, જપ, સત્સંગ, સેવા પૂજા અને કીર્તન કરીએ અને પ્રભુ પાસે આજીજી કરીએ કે હે નાથ મને એવી શક્તિ આપ જેથી કરીને જીવન ધાર્મિક રીતે જીવીએ અને તમારા પાસે આવું ત્યારે હું સારા ગુણો થી સભર હોઉં અને તમારા શરણમાં સમર્પિત થાઉં.