Tuesday, April 26, 2011

પુત્રવધૂ

પિતૃગૃહેથી માતા, પિતા, બહેન, ભાઇ, સર્વે સગા, સંબંધી, સખી અરે પોતાની માતૃભુમિને છોડીને તમારા ઘરને પોતાનું બનાવવા આવતી દિકરીને લોકો એ કેવું સરસ નામ આપ્યું " પુત્રવધૂ ".

કેમ જાણે એમ લાગે છે કે હે દોસ્ત! એ હવે તારા ઘરનો લાડ ખજાનો છે! તારા ઘરની પુત્રવધૂ છે એટલે કે પુત્ર થી પણ વધૂ છે.

ક્યારેક એવો વિચાર આવે છે કે ભગવાન કેટલા દયાળુ છે કે તે એવુ ઇચ્છે છે કે જગતના કોઇ પિતા કે માતા કે જેના ઘરે દિકરી ન હોય તે દિકરીના પ્રેમથી વંચિત ન રહે એટલા માટે તેમના ઘરે પુત્રવધૂ મોકલે છે.

દિકરી એટલે પારકી થાપણ. ખરુ ને! પણ વિચારો કે આપણી થાપણ ગમે તેને સોંપીએ ખરા? નહિ ને. ઠીક એવી જ રીતે ભગવાન પણ એવા સમર્થ લોકોને ઘરે જ પારકી થાપણ મોકલે છે કે જેની ઉપર ભગવાન ને વિશ્વાસ હોય, પુરો ભરોસો હોય કે આ દંપતિ મારો ભરોસો નહિ તોડે. કન્યાના માબાપને ખબર છે કે દિકરી ગમે તેટલી વહાલી હોય, લાડકી હોય પણ એક દિવસતો તેને વળાવવી પડશે તેમ છતા પણ તેને જીવની જેમ સંભાળીને મોટી કરે છે. પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કરી દે છે ને અંતે જેની થાપણછે તેને પરત કરી દે છે. ધન્ય છે એ માતાપિતાને!! એમની ઉદારતાને સલામ!!


દિકરી જ્યારે પરણીને સાસરે જાય છે ત્યારે તે કોઇ અજાણ્યા ઘરે નથી જતી પણ પોતાના જ ઘરે જાય છે એની મુળ જગ્યાએ જાય છે. એ ઘર, એ પતિ, એ માતા પિતા જેનાથી તે અત્યાર સુધી અજાણ હતી તેના પાસે જાય છે. પણ જેમ એક બાળક સૌથી પહેલી વાર બાળમંદિર જાય, નવા લોકો, નવા સાથી, નવું વાતાવરણ જુએ અને તેને કઇંક અજીબ લાગણી થાય લગભગ તેવી જ પરિસ્થિતી દિકરીને થતી હશે. પણ જેમ બાળમંદિર વિદ્યાર્થીની પ્રગતિનુ પ્રથમ સોપાન છે અને વ્યક્તિ ધીરે ધીરે સમજી વિચારી મહેનત કરી આગળ જતાં સફળતા મેળવે છે તેમ જ દિકરી પણ પોતાના સંસ્કાર, મહેનત અને લગનથી, પોતાની વાણી, વિચાર અને વર્તનથી આખા ઘરને પોતિકું બનાવી સર્વેની લાડકી બની જાય છે. એક પુત્રીની ભુમિકા પુરી કરીને બીજી ભુમિકામાં પોતાની જાતને ઢાળવામાં જિંદગીમાં કેટલા સમાધાન કરતી હશે એતો એ દિકરી કે પરમાત્મા જાણે. કદાચ એટલે જ ભગવાને સહનશિલતા, તિતિક્ષા, પ્રેમ અને લાગણી ખોબલે ખોબલે સ્ત્રીમાં ભરી છે કે જેથી તે બંને ઘરને ઉજાળી શકે.

Saturday, April 9, 2011

શ્રધ્ધા અને અંધશ્રધ્ધા

આમ જુઓ તો શ્રધ્ધા ઉપર જ આપણુ આખુ જીવન ટકી રહ્યુ છે. આપણા જીવનની એકએક પળ એકએક ક્રિયા શ્રધ્ધા વગર ટકી શકે નહિ. સામાન્ય જીવન જીવવા માટે શ્રધ્ધા એક અદ્ ભુત ચાલક બળ અને શક્તિ છે. શ્રધ્ધા વિનાનો માણસ એ સંસાર રુપી આકાશમાં ઉડતો એવો પતંગ છે કે જે હવા ન હોવાથી આમ થી તેમ ડોલે છે અને અંતે કોઇ ઝાડ કે પછી થાંભલામાં ભરાઇને ફાટી જાય છે.

આપણા મનમાં ધારેલી અપેક્ષા જેટલી વધારે સંતોષાય એટલી આપણી શ્રધ્ધા પ્રબળ બને.

એક દર્દી ડોક્ટર પાસે જાય છે ત્યારે એના મનમાં એક જ ભાવના હોય છે કે સાહેબની દવા બે દિવસ લઇશ એટલે હાલતા ચાલતા થઇ જશુ. આને કહેવાય શ્રધ્ધા. એનુ જો થોડું વિષ્લેષણ કરીએ તો કઇંક આવું સમજાય છે.

૧. દર્દીને જલદી સાજા થઇ જવાની અપેક્ષા છે.
૨. દર્દી જાણે છે કે ડોક્ટર સાહેબ પાસે મેડિકલ જ્ઞાનની અધિક્રત ડિગ્રી છે અને દર્દીને આ પહેલા પણ માંદગીમાંથી ઉભો કરેલ છે. ૩. દર્દીને ડોક્ટરનો અનુભવ છે એટલે અનુભવના આધાર ઉપર તે ડોક્ટર ઉપર શ્રધ્ધા છે.
૪. દર્દી નો રોગ મટે એટલે દર્દીનાં મનમાં એક ગાંઠ બંધાય જાય કે સાહેબ જેવા હોશિયાર ડોક્ટર બહુ ઓછા છે.

આને કહેવાય શ્રધ્ધા.

હમણાંજ મે ટીવીનાં સમાચારમાં એક કિસ્સો જોયેલો. સુરતમાં કોઇક માણસ લોકોને હંટરે હંટરે ફટકારીને સાજા કરતો. એક ૩૦ થી ૩૫ વર્ષના એક બેન ને ઇ ઉંટ વૈદ્ય એટલો નિર્દયતાપૂર્વક હંટર મારતો તો કે ઓલા બેન ની હ્રદયદ્રાવક ચીસો સાંભળીને આપણું મગજ કામ કરતું બંધ થઇ જાય. આજુબાજુ આટલા બધા લોકો જોતા હતા અને આ નર રાક્ષસ કોઇ પણ જાતની બીક વગર પ્રહાર કર્યે જતો હતો. ચિત્રની કરુણા તો એટલી હતી કે પેલા બેન જોડે આવેલો માણસ આ નાલાયકને પગે લાગી એના ચરણમાં પૈસા ધરતો હતો. આ જ માણસ આ રીતે આખો દિવસ કામ કરી એટલો થાકી જતો કે સાંજ પડે એને ડિહાઇડ્રેશન થઇ જતું અને ગ્લુકોંઝ સેલાઇન નાં બાટલા ચડાવતા.

ઉપરનાં કિસ્સાનું વિષ્લેષણ કરીએ તો કઇંક આવું સમજાય છે.
૧. લોકો એ કિધેલા કે સાંભળેલા સાચા ખોટા કિસ્સાથી, વગર વિચાર્યે દોરવાઇ જવુ અને ખોટો નિ્ર્ણય કરવો.
૨. કોઇ પણ જાણકારી કે કારણ જાણ્યા સિવાય એક વ્યક્તિ પર આંધળો વિશ્ર્વાસ મુકીને અંધકારમાં ભુસકો મારવો.
૩. કોઇ અનુભવ વિના કોઇ ઉપર આંધળો વિશ્ર્વાસ મુકવો અને પછી પસ્તાવો કરવો.


આને કહેવાય અંધશ્રધ્ધા. ઉપર આપેલા દાખલા તો ફક્ત મારી સમજણ માટે આપેલા છે પણ સામાન્ય જીવનમાં પણ એવા કેટલાય દાખલા આપી શકાય કે જેમાં આપણી કેટલી માન્યતાઓ છે કે જેને ધડ કે માથુ નથી છતાં આપણે માનીએ છીએ.

૧. બિલાડી આડી ઉતરી!! હવે શુ થાશે? અરે બિલાડી એક હિંસક પ્રાણી છે કબુલ તો કુતરા પણ હિંસક પ્રાણી નથી? પણ કુતરૂ આડુ ઉતરે એનો વાંધો નહિ પણ બિલાડી તો નહિં જ. છે કોઇ તર્ક આ વાતમાં?
૨. દર કાળી ચૌદશને દિવસે ચોકમાં કુંડાળું કરીને વડા મુકાય છે. શા માટે? તો કે કકળાટ કાઢવા. એમ જો કુંડાળી કરીને કકળાટ બહાર નિકળતો હોતને તો બધી કોર્ટને તાળા લાગી ગ્યા હોતને વકિલો ભુખે મરતા હોત. ખરેખર તો કોઇ બુધ્ધીશાળી સંતને વિચાર આવ્યો હશે કે દિવાળી જેવા પરબમાં કોઇ ગરીબ ભુખ્યો ન રહે માટે આવુ કારણ ગોતી કાઢ્યુ હશે.
3. કહેવાય છે કે મોહિન્દર અમરનાથ જ્યારે ક્રિકેટનાં મેદાનમાં ઉતરતા ત્યારે ખિસ્સામાં લાલ રુમાલ અચુક રાખતાં. કદાચ આવુ કરવાથી મનમાં દ્રઢતા પેદા થતી હશે કે હવે તો લાલ રુમાલ છે ને! હવે વાંધો નહિ આવે. મતલબ સાયકોલોજિકલી માનસિક બળમાં વધારો થતો હશે.

મુશ્કેલીમાં આવી પડેલ વ્યકતિ પોતાના બધા સખત પ્રયત્નો કરવા છતાં પણ બહાર ન આવી શકે ત્યારે તેની બુધ્ધિ કામ ન કરિ શકે ત્યારે તે જે કઇ પગલા ભરે તે ઘણુ કરીને અંધશ્રધ્ધા તરફ જ દોરી જતા હોય છે.

Thursday, April 7, 2011

ત્યાગ અને વૈરાગ

આમ તો આપણે આ બંને શબ્દો એક જ અર્થ માટે વાપરીએ છીએ કે કાંઈ પણ છોડી દેવુ. વિજ્ઞાનમાં જેમ એક પ્રક્રિયા હોય અને એનું એક પરિણામ હોય છે એવુ જ કઇક આ શબ્દના અર્થમાં છે. આમાં ફરક એટલો છે કે ભલે શબ્દનું પરિણામ એક છે પણ પ્રક્રિયા અલગ છે. બંને શબ્દોનું કેન્દ્ર મન છે.

ત્યાગમાં મન ઉપર સંયમ કે કાબુ રાખીને કઇક છોડીએ છીએ જેમ કે "એક વરસ માટે ચા છોડી". મતલબ કે ચા મને ભાવે તો છે જ પણ મારા મન નું ધાર્યુ કરવા અને મારા અહંકારને પોષવા મે ચા નો ત્યાગ કર્યો. આમ જુઓ તો આ સ્વ ની મન સાથેની લડાઇ નથી? માણસને એકાંત ગમતું નથી કારણકે એકાંતમા સ્વ ની સાથે લડાઇ કરવી પડે. દુનિયા જીતવી કદાચ સહેલી છે પણ મન ને જીતવું અઘરુ છે. મન ને જીતવા માટે મક્કમ થવું પડે. મારી જેવાને માવા છોડવાનું કેટલું અઘરુ છે એ હુ સારી રીતે જાણુ છું. અનુભવે એટલું સમજાય છે કે વાસ્તવિક જિંદગીમાં કયારેક મન જીતે છે તો કયારેક અહંકાર. મન ને જીતવા માટે જન્મારોય ઓછો પડે.

વૈરાગ એ મન ની એવી સ્થિતિ છે કે જેમાં છોડી દિધેલ વસ્તુ માટે મમત નથી. ચા માટે મનમાં કોઇ રાગ નથી કે દ્વેષ નથી. જે માણસ દારુ ન પીતો હોય એના મન ની સ્થિતિ દારુ પીવા બાબત કેવી હોય? કઇ નહિ ને! એણે કઇ ત્યાગે ય નથી કર્યો કે કાઇ વૈરાગ ય નથી કર્યો. માણસની આધ્યાત્મિક સમજણ શક્તિ વધે. મનમાં સવાલ થાય કે " હુ કોણ છું? " "હુ" એટલે કે આ મારુ નામરુપ શરિર કે જે ગમે ત્યારે નષ્ટ થવાનું છે કે પછી આ શરિરને ચલાવનાર આત્મા? અને આત્માની ખોજ માં વ્યક્તિ નીકળી પડે ત્યારે તેને સાધન સંપન થવુ પડે. આમાનું એક સાધન એ જ વૈરાગ. વૈરાગમાં તમારે કાઇ છોડવુ નથી પડતું પણ તે આપોઆપ છુટી જાય છે.