શિર્ષક જોઇને ભડકવાની જરુર નથી. મારે કંઇ ન્યુટનના ગતિના ત્રીજા નિયમની વાત નથી કરવાની કારણકે તમે જાણો જ છો કે "આઘાત અને પ્રત્યાઘાત સરખા અને સામ સામેની દિશામાં હોય છે." આપણા દૈનિક જીવનમાં પણ આવું જ બને છે. જીવનનો ૧૦ ટકા હિસ્સો, તમારી સાથે શું બને છે તે આઘાત અને જીવનનો બાકીનો ૯૦ ટકા હિસ્સો, આ બનાવો સામે તમે કેવી રીતે રિએક્ટ કરો છો તે પ્રત્યાઘાત.
આમ કહેવાનો અર્થ શુ? જુઓ, ૧૦ ટકા બનાવો બને છે તેના પર આપણો કન્ટ્રોલ નથી જેમકે ગાડીમાં પંચર પડવું, ટ્રેન લેઇટ થવી, કોઇ આપણી ટિકા કરે કે પ્રશંસા. આવા બનાવો ઉપર આપણો કાબુ નથી હોતો. આવી જે ઘટનાઓ આપણી સાથે બને છે ત્યારે આપણે કેવી રીતે રીએક્ટ કરીએ છીએ તે રીએક્શન આપણા તે દિવસના મુડનું કારણ બને છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ લઇએ.
એક દિવસ સવારે તમે ઓફિસમાં જવાની ઉતાવળમાં છો. જલ્દી જલ્દી ડાઇનિંગ ટેબલ પર આવીને ખુરશીમાં બેસો છો ત્યાંજ તમારી નાની દિકરીથી કોફીનાં કપને ધક્કો લાગી જાય છે અને કોફી તમારા શર્ટ અને પેન્ટ પર ઢોળાય છે. બિચારી રડુ રડુ થઇ તમારી સામે જુએ છે અને તમે તેના પર ગુસ્સે થઇ જાવ છો. બાજૂમાં ઉભેલી તમારી પત્નીને પણ ગુસ્સે થઇને કહો છો કે આવી રીતે કપ રખાય? બન્ને વચ્ચે થોડી ગરમા ગરમી થાય છે. તમે કપડા બદલાવીને પાછા આવો છો ત્યા સુધીમાં દિકરીની સ્કુલ બસ આવીને તેને લીધા વિના ચાલી જાય છે. હવે! દિકરીને સ્કુલમાં મુકવા જવાનું છે એટલે તમે નાસ્તો કર્યા વગર પત્નિને મળ્યા વગર ઘરેથી નિકળી જાઓ છો. એટલે પત્નિને પણ દુ:ખ થાય છે. તમે ઉતાવળમાં છો એટલે લાલ સિગ્નલ હોવા છતાં પણ નિકળી જવાની કોશિશ કરો છો એમાં પોલિસના હાથમાં આવી જાઓ છો અને ૧૦૦ રુપિયાનો દંડ ભરોછો. તમારો ગુસ્સો સાતમાં આસમાને છે અને આજે પહેલીવાર દિકરી પણ તમને આવજો કહ્યા વિના સ્કુલમાં ચાલી જાય છે. તમે ઝડપથી ઓફિસમાં પહોંચો છો ત્યારે તમને યાદ આવે છે કે ઓફિસ બેગ તો ઘરે જ રહી ગઇ. ખબર નહિ આજનો દિવસ જ બેકાર છે મારે માટે. સાંજે ઘરે ડોર બેલ વગાડતાં જ પત્નિ દરવાજો તો ખોલે છે પણ સવારની વાત તેના મો પર દેખાય છે. વ્હાલી દિકરી પણ મો ફુલાવીને બેઠી છે.
આ સમગ્ર ઘટના માટે કોણ જવાબદાર છે.
૧. કોફીનો કપ જે તમારા કપડા પર ઢોળાયો.
૨. તમારી પુત્રી કે જેનાથી કપ ઢોળાયો.
૩. પોલીસમેન કે જેણે ૧૦૦ રુપિયાનો દંડ કર્યો.
૪. કે તમારુ રિએક્શન.
જવાબ છે નંબર ૪. તમારુ રિએક્શન. કોફી ઢોળાવાની ઘટના તમારા કાબુમાં ન હતી. પણ તે પછીની પાંચ સેકંડ ચોક્કસ તમારા હાથમાં હતી. તમારો પ્રત્યાઘાત.
આજ ઘટનાંમાં જો તમારુ રિએકશન કઇંક આવુ હોત તો. જેમ કે કોફી ઢોળાઇ, તમે દિકરીને કહ્યુ કઇ વાંધો નહિ બેટા ફરી વખત ધ્યાન રાખજે. તમે ઝડપથી ઉપર ગયા કપડા બદલી બેગ લઇ નીચે આવો છો ને બારીમાંથી સ્કુલે જતી દિકરીને આવજો કહો છો.
ઘટનાની શરુઆત એક સરખી છે પણ અંત? જુદા છે. કારણકે જીવનનો ૧૦ ટકા હિસ્સો તમારી સાથે શું બને છે તે આઘાત અને જીવનનો બાકીનો ૯૦ ટકા હિસ્સો આ બનાવો સામે તમે કેવી રીતે રિએક્ટ કરો છો તે પ્રત્યાઘાત.
કોઇ તમારી અણછાજતી ટીકા કરે કે તમારા વિષે ઘસાતુ બોલે તો તેવી વાત એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવી. નકામી જીભાજોડીમાં ઉતરી તમારુ બ્લડ પ્રેશર ન વધારતા. ન કરે નારાયણ ને કોઇ સંજોગો વશાત તમે નોકરી ગુમાવી હોય તો ઢોળાયેલા દુધ પર રડવા કરતાં નવી સારી નોકરી માટે વિચાર કરજો.
ન્યુટનના નિયમને ગતિ પુરતો જ મર્યાદિત રખાય જીવનમાં ન અપનાવાય.
Tuesday, February 9, 2010
Subscribe to:
Posts (Atom)