Thursday, June 25, 2009

હળવી પળોમાં ટી.વી. એડ્ઝ

જ્યારે ટી.વી. માં મારો મનપસંદ પ્રોગ્રામ જોતો હોઉ અને પ્રોગ્રામ એન્કર બ્રેક પાડે ત્યારે મારા મન ઉપર હિંસક વિચારોનું ભૂત સવાર થઇ જાય છે. મને ઇ એન્કરનાં વાળ ખેંચી "હેર એન્ડ શોલ્ડર" નાં શેમ્પુથી નવડાવી અને માથમાં તાલ પાડી "બ્રામ્હી આંબળા"ના તેલથી એનું તાલકું ચમકાવી નાખવાનું મન થઇ જાય છે. ક્યારેક તો એમ થાય કે આના મોઢા ઉપર "ચેરી બ્લોસમ શૂ પોલિશ" લગાડી અને ફક્ત " રણજિત" નાં ગંજી જાંગિયા પહેરાવી ઉંન્ધે ગધેડે ચડાવી આખા ગામમા ફેરવુ. આવુ થવાનું કારણ એક જ કે બ્રેકમાં નો હમજાય એવી એડ શરુ થઇ જાય. આ હિરો હોન્ડા જ લ્યો ને.


આ બાઇક લેવાય જ કેમ? એક તો ઘરમાંથી બહાર કાઢવા હેલિકોપ્ટરમાં ચડાવવું પડે અને હેલિકોપ્ટરમાંથી ઠેઠ ગામની વચ્ચોવચ ઉંચા ઘરની અગાસીમાં ઉતારવુ પડે. મને એ જ નથી સમજાતું કે જેની પાસે હેલિકોપ્ટરનો વેંત હોય ઇ વળી આ બાઇકની માથાકુટમાં શું કામ પડે? આ બધું ઋત્વિગ રોશનને પોસાય. વળી પાછું એમાય બ્રેકની તકલિફ. ખરીદતાં પહેલા એડ્ જોઇ લેજો. એમાં ખરે ટાઇમે બ્રેક જ લાગતી નથી. બે પહાડ વચ્ચે ખાઇ આવે ત્યારે બ્રેક ન લાગતા આકાશમાં ફંગોળાય અને તમે નસીબદાર હો તો છેક સામેનાં પહાડની ધાર ઉપર માંડ માંડ પટકાવ. અધુરામાં પુરૂ તમારે વળી ગામની બાર ગારો હોય એવા ધાબે ઇંગ્લિશ હેટ, તમારુ ડાચુ નો દેખાય એમ પહેરી ને બીજા દસ બાર ફતન દેવાળીયા બાઇક ઉપર આવે એની રાહ જોવાની. ઇ વળી આપણી દેખતાં આપણી જ બાઈક ઉપર ગારા ઉડાડે ઇ જોવાનું. ત્યારે તો કંઇ નહિ બોલવાનુ પણ ઇ જાય ભેગા આપણે એની પાછળ હડી કાઢવાની અને આપણી બાઇક નો બધો ગારો ઇ બધાને લાગે ત્યારે ધ્યાન રાખવાનું કે એક લોંદો વધવો જોઇએ ને ઈ છેલ્લે બાઇકને ફુદરડી ફેરવી ને ડાઢીવાળાનાં ડાચા ઉપર લાગે એમ કરવાનૂ.શું આપણે આ ગંદા ગોબરા ગારા ખુંદવા બાઇક લેવાની છે?


અથવા તો તમે ટ્રેન કે પ્લેનમાં સફર કરતાં હો, શાંતિ થી બેઠા હો ત્યાં અચાનક કોઇ બેન ત્રણ ચાર જણ જેમા એક જણ પાસે વિડીઓ કેમેરા હોય એ આવીને તમને તમારી ટુથપેસ્ટમાં નમક છે કે નહિં એમ પુછે તો કેવું લાગે? અરે બેન ટુથપેસ્ટની વાત જાવા દે તારામાં મીઠું છે કે નહિં ઈ પુછ. ક્યારની એમ વાવાઝોડાની જેમ આવીને કોકનું મગજ ખાવા મંડી છો તે. તુ ભાઇ તારી ટુથપેસ્ટમાં મીઠુ, મરચુ, હળદર, ધાણાજીરુ, સુંઠ સાથે બીજા તને ગમે તે મસાલા નાખી ને તારા દાંત ઘસ ને અમને શાંતિથી બેસવા દે.



કાં તો "લક્સ કોઝી બનિયાન" પહેરો ને તમારુ નસીબ બનાવો. હવે વિચાર કરો કે ધર્મેન્દ્રના છોકરાને સરા જાહેર આમ ગંજીમાં જાહેરમાં દેખાવુ પડે ઇ કેટલી કંગાલિયત કેહેવાય? આમાં આના નસિબ સુધર્યા કે બગડ્યા? આવા ગંજી પહેરો પછી બુશકોટ લેવાનો વેંત નો રહે એમ કહેવા માંગે છે. હવે તમે જ ક્યો આમાં
નસીબ તો લક્સ કોઝી વાળા ના સુધર્યા કે આપણા જેવા બકરા મળી ગ્યા.

હાલો હાલો ભાઇ બ્રેક પુરો થઇ ગયો આપણે પ્રોગ્રામ જોઇએ.

No comments:

Post a Comment