Thursday, April 30, 2009

કો-ઓર્ડિનેશન,કો-ઓપરેશન અને ટીમ વર્ક

જીવનનાં કોઇ પણ કાર્ય ક્ષેત્ર ચાહે તે આર્થિક હોય કે સામાજિક, સેવા કે સુશ્રુષા, કૌટુંબિક, ધંધાકિય કે પછી રમતગમત હોય, તેમાં સફળતાના સોપાન સર કરવા માટેના ત્રણ અહેમ પાયા છે કો-ઓર્ડિનેશન,કો-ઓપરેશન અને ટીમ વર્ક.

કોઇ પણ કાર્ય ની સફળતા માટે પ્રથમ જરુરીયાત છે સર્જનાત્મક દ્રષ્ટિની એટલે કે વૈચારિક સમૃધ્ધિની. બીજા સ્થાને તમને આવેલા એ સર્જનાત્મક આઇડિયાને લોકો સમક્ષ રજુઆત કરવાની તેમજ તમારી ટીમના લોકોના પ્રશ્નોને આવકારી અને તેનુ નિરાકરણ કરવાની. ત્રીજુ પગથિયુ છે કાર્યના પ્લાનિંગની. ચોથુ સ્ટેપ છે ટીમ સિલેક્શન. ટીમ સિલેક્શનનુ અગત્યનું પાસુ છે ટીમ મેમ્બરની આવડત, કુશળતા અને રુચિનું. ટીમ મેમ્બરની ટેલન્ટનું શોષણ કરો તેની કુશળતાનું પ્રશંસાના શસ્ત્રથી ઉર્ધ્વિકરણ કરો. અને છેલ્લુ પગલું છે તમે નિર્ણય કરેલા કાર્યના અમલીકરણની.

ટીમ લીડરનું મુખ્ય કામ છે કો-ઓર્ડિનેશનનું. એક કુશળ લીડર માટે "ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલ" હોવી ખુબ જરુરી છે. તમારો સંદેશ કે સુચન બિલકુલ સ્પષ્ટ અને સરળ ભાષામાં હોવો જોઇએ. સંદેશો ગ્રહણ કરનાર વ્યક્તિને સમજાય તેવો યુઝર ફ્રેન્ડલી હોવો જોઇએ. ટીમ મેમ્બરનાં સ્વભાવ, વ્યક્તિત્વ અને મુડની જાણકારી જેટલી વધારે હોય તેટલી લીડરની અસરકારકતા વધુ. એક ટીમ લીડર પ્રભાવશાળી, આનંદી, શાંત છતાં પણ મક્કમ અને સૌમ્ય હોવો જરુરી છે.

ક્ષેત્ર ચાહે કોર્પોરેટનુ હોય કે કૌટુંબિક પણ જ્યારે સમુહમાં કોઇ કામ થતું હોય ત્યારે સંઘ ભાવના, પરસ્પરની સમજણ, એક બીજા માટે કઇંક કરી છુટવાની વૃત્તિ, જતુ કરવાની ભાવના વગેરેથી સંઘનું બળ વધે છે અને સફળતા તેમને વરે છે. આપણે સમજવું જોઇએ કે આપણે ટીમનું એક મહત્વનું અંગ છીએ અને તેથી એક ટીમ મેમ્બર હોવાથી આપણા કામને સંપૂર્ણ પણે સમર્પિત થઇ અને આપણી કુશળતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું જોઇએ.
આ ત્રણે ફેક્ટરનાં સમન્વયનુ શ્રેષ્ઠ ઉદાહરણ આપણું શરીર છે. ધારો કે તમને તરસ લાગી છે તો તમે ગોળા પાસે જઇ પાણી પી ને તરસ છીપાવો છો. આ પ્રોસેસમાં શુ બને છે? તરસની જાણ આપણા મગજને થાય છે અને મગજ આપણા પગને ડાયરેક્ટીવ આપે છે કે તમે ગોળા પાસે જાવ ત્યારબાદ એજ મગજ હાથને સુચના આપે છે કે પાણી ભરી મો સુધી લઇ જાવ ત્યારે પાણી પી શકાય છે. હવે વિચારો કે પગ એવી દલીલ કરે કે ભઇ તરસતો મોઢાને લાગી છે હું શુ કામ ગોળા પાસે જાવ? તેવી જ રીતે હાથ પણ કરે તો શું થાય? પાણી પીવા મળે? આપણું મગજ કો-ઓર્ડિનેટર છે, વિવિધ અંગો એક બીજાને કો-ઓપરેટ કરે છે અને આ ટીમવર્ક કાર્યની સફળતામાં પરિણમે છે.

1 comment:

  1. ખુબ સરસ લેખ છે.બહુજ પ્રેરણાત્મક વાતોને મન ઉપર અસર કરી જાય એવી ધારદાર છતા સરળ શબ્દોના સથવારે લખેલ લેખ ધન્યવાદ ને પાત્ર છે..
    હરિઓમ

    ReplyDelete