Tuesday, April 7, 2009

એક ફોરેનર નો પ્રશ્ન

એક્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં જોબ કરતો હોવાથી સ્વાભાવિક રીતે ફોરેનર્સ સાથે વાતો કરવાનો મોકો મળતો. એક ભાઇ જર્મનીથી આવેલા. તેમણે મને પૂછ્યુ કે તમારે ભારતમાં આટલા બધાં ભગવાન કેમ? અમે તો ફક્ત એક જ ભગવાનને માનીએ. એમની વાતો પરથી લાગ્યું કે સવાલમાં કુતૂહલ કરતાં કટાક્ષ વધારે હતો.

મે તેમને પૂછ્યું કે ભગવાને આ સૃષ્ટિની રચના કરી ત્યારે શા માટે વિવિધ પ્રકારનાં ફૂલ અને ફળ બનાવ્યા? એક જ પ્રકારનાં ફૂલ જેમ કે ગુલાબ, એક જ પ્રકારનાં ફળ જેમ કે કેરી બનાવી હોત તો ન ચાલત? શા માટે ત્રણ અલગ ઋતુઓ બનાવી? એક જ સ્ટાન્ડર્ડ ફોરમટ જેમ કે દુનિયામાં બધી જગ્યાએ ૨૦ ડીગ્રી ટેમ્પરેચર, ૨૫ ઇંચ વરસાદ રાખ્યો હોય તો ન ચાલે?

પ્રકૃત્તિની રચનામાં આટલી બધી વિવિધતા રાખવા માટે એક પ્રયોજન છે કાંઇક ખાસ કારણ છે. ઇશ્વરે માનવનું સર્જન કર્યુ ત્યારે બધાને ભલે શરીર એક સરખા આપ્યા પણ પ્રકૃત્તિ એટલે કે સ્વભાવ અલગ અલગ આપ્યા. દરેક વ્યકતિની પસંદ અલગ અલગ. એટલે જ દરેક વ્યક્તિને પોતાની પસંદગીને અનૂરૂપ ફૂલ કે ફળ મળી શકે અને સંતોષ પામે. તેવી જ રીતે ઇશ્વરનાં પણ વિવિધ સ્વરુપ છે. દરેકને પોતાની પ્રકૃત્તિ પ્રમાણે ઇશ્વરનુ જે રુપ પસંદ હોય, જેમાં તેની નિષ્ઠા હોય તેને ભજી શકે. જેમ કે સુરદાસજીને બાલ કૃષ્ણ, તુલસીદાસજીને ધનુર્ધારી રામ, નરસિંહ મહેતાના શામળા ગિરધારી. જેમની નિષ્ઠા માતૃસ્વરુપે ભજવાની હોય તેના માટે મહાલક્ષ્મી, મા સરસ્વતી, મા જગદંબે ભવાની, મા ગાયત્રી જેવા અસંખ્ય રુપ છે.

યાદ રાખવા જેવી વાત એક જ છે કે જે નરસિંહ મહેતા એ કહયું છે. "અખિલ બ્રમ્હાંડમાં એક તૂ શ્રી હરિ, જુજવે રુપે અનંત ભાસે." ઇશ્વર તો એક જ છે તે જ્યારે સર્જન કરે છે ત્યારે બ્રમ્હા, પાલન કરે છે ત્યારે વિષ્ણુ અને સંહાર કરે છે ત્યારે મહેશ.

No comments:

Post a Comment