Wednesday, February 6, 2013

નરસિહમહેતા

ઋષિ મુચ્યકુન્દ્જીનો અવતાર નરસિહ મહેતાનું નામ લેતા જ શામળા ગિરધારી નજર સામે તરવરે .  કહે છે કે સાત વર્ષ સુધી તેમને જીભ નહોતી આવી એટલે કે બોલી ન શકતા .  એમના દાદીમાને ખુબ ચિંતા થતી કે આ બાળક ક્યારે બોલી શકશે?

એવામાં એક દિવસ એક પરમ સંત ઘરે પધાર્યા . દાદીમાએ એમને પૂછ્યું કે આ છોકરો ક્યારે બોલતો થશે? સંતે બાળક સામે જોયું એના મુખની ક્રાંતિ જોઈને એની જીભ ઉપર આંગળી અડાડી ને કીધું બોલો રાધેકૃષ્ણ .
અને ચમત્કાર થયો બાળક પણ બોલ્યું રાધેકૃષ્ણ .

મહેતાજી નાના હતા ત્યારથી જ ભક્તિમાં લીન હતા જાણે રાગ દ્વેષથી પર . સંયુક્ત કુટુંબમાં તળાજામાં ઉછર્યા . નાનપણ માં જ લગ્ન થયા . ભાભીએ મેણું માર્યું કે હવે ઘરની જવાબદારી ઉપાડો અને કમાણી કરો આમ કઈ જિંદગી કેમ કાઢશો?  એ નિર્મળ હૃદય ભક્તને હાડોહાડ લાગી ગયું અને ઘર છોડીને ચાલી નીકળ્યા . ક્યાં જવું એની કઈ ખબર નહિ . ચાલતા ચાલતા ભૂખ્યા તરસ્યા ગોપનાથ પહોચી ગયા ત્યાં તેમને  એક શીવલિંગના દર્શન થયા। દોડીને શિવલીંગને ભેટી પડ્યા આંખોમાંથી અશ્રુ ધારા વહેતી જાય અને એ અશ્રુનો અભિષેક પુરા સાત દિવસ સુધી કઈ ખાધા પીધા વગર થતો રહ્યો . અને ભોળિયા દાદા સાક્ષાત પ્રસન્ન થયા અને કીધું બેટા માગ માગ . પણ આતો નિર્મળ હૃદય ભક્ત શું માંગે? ભગવાને આગ્રહ કર્યો ત્યારે માગ્યું અને તે પણ શું? આપણે આફરીન થઇ જઈએ એવું માગ્યું કે પ્રભુ તમને જે દુર્લભ હોય એવું આપો . હવે આતો સાક્ષાત મહાદેવ એને વળી શું દુર્લભ હોય . પ્રભુ કે ચાલ  તને રાસલીલા જોવા લઇ જાઉં . કહે છે કે રાસલીલા જોતા મહેતાજી એટલા તન્મય થઈ ગયા કે તેમના હાથમાં મશાલ છે એ પણ ભૂલી ગયા હાથ પણ બળતો રહ્યો . શામળિયા નું  ધ્યાન ગયું અને શિવજીને પૂછ્યું કે આ કોણ? શિવજીએ કહ્યું નાથ આ તમારો પરમ ભક્ત છે આનો હાથ જાલો . બસ તે દિવસ થી શામળાજી એ એનો હાથ જાલ્યો તે જિંદગી પર્યંત સુધી .  ભગવાને વરદાન આપ્યું કે જયારે જયારે તમે કેદારો ગાશો ત્યારે હું સ્વયં હાજર થઈશ . મહેતાજી પરત ઘરે આવ્યા અને ભાભીના ચરણ માં પડી ગયા અને કહ્યું કે માં તમારા પ્રતાપે જ હું હર અને હરિના દર્શન કરી શક્યો . કદાચ ત્યાર પછીથીજ પેલું પ્રખ્યાત ભજન "  નાગર નંદજી ના લાલ રાસ રમંતાં મારી નથની ખોવાણી " લખાયું હશે 

દુનિયાદારીના જેટલા કામ મેહ્તાજીના  પરમાત્મા શ્રી કૃષ્ણે કર્યા છે એટલા કદાચ કોઈના નહિ કર્યા હોય પછી તે પિતાનું શ્રાદ્ધ હોય કે કુંવરબાઈનું મામેરું હોય કે  શામળશાના  વિવાહ કે પછી હુંડી. એકવાર તેમના પરબત કાકા એ કહ્યું ભાઈ ચાલ આપણે દ્વારકા જઈએ . મેતાજીને તો ભાવતું તું ને વૈદે કીધા જેવું થયું . તે જમાનામાં પગપાળા કે ગાડામાં જ પ્રવાસ થઇ શકતો . સાંજ થવા આવી પણ કોઈ ગામ દેખાય નહિ . એટલે એક સાવ સુનકાર મેદાન જેવી જગ્યામાં ભૂખ્યા ને તરસ્યા પડાવ નાખ્યો . રાત જામવા લાગી . ત્યારે તો દીવા બતી પણ ન હતા અને સાવ અંધારું ઘોર વાતાવરણ . એમાં પરબત કાકાને તરસ લાગી એટલે મહેતાજી અને કાકા કુવો શોધવા નીકળ્યા . થોડે દૂર કઈ વસ્તી જેવું લાગ્યું . એ નેસ હતો અને ત્યાં ભરવાડો રોટલા બનાવતા હતા . એમણે આ બંનેને કહ્યું ચાલો રોટલા જમો અમારી  સાથે . હવે પરબત કાકા તો પાછા ચુસ્ત નાગર ! હું કઈ આ લોકો સાથે નો જમું પણ આ કુવા માંથી પાણી પી લઈશ . મેહતાજી તો ભક્ત જીવ એમણે તો પ્રેમથી ભોજન લીધું . સવાર થઇ ને આળસ મરડીને ઉભા થયા ને જોયું તો ન મળે નેસ કે ન મળે કુવો . મહેતાજીએ કીધું કાકા આપણી ભૂખ ભાંગવા જ મારો શામળિયો આવેલો .

આવા સરળ સદભક્તને તે જમાનામાં લોકો એ સુખેથી રહેવા ન દીધા . કોઈએ કપટ કરી ને એમનો કેદાર રાગ ગીરવે મુકાવ્યો . અને કાવતરું કરીને જેલમાં મોકલી દીધા . જેલમાં જઈને કીધું કે બોલાવ તારા શામળાને . હવે કેદાર તો ગીરવે મુકેલો હતો એટલે ગવાય નહિ . પણ એનો હાથ સાક્ષાત પરમાત્મા એ જાલેલો . ખુદ ભગવાન નરસૈયા નો વેશ ધારણ કરીને કેદારો છોડાવી આવ્યા એટલું જ નહિ પણ જેલના બારણા તોડીને મહેતાજીના  હાથમાં મૂકી દીધો .

આવા ભક્ત શિરોમણી ને ફક્ત કવિ ન  કહેવાય . જેના ઉપર હરી અને હર ના હાથ હોય એ પ્રાકૃત માણસ થી પર હોય . એ જ એવા ખરા હૃદયથી ગાય શકે કે " કે મારે શામળિયા સરખો સરદાર રે શામળા ગિરધારી, હે મારે નથી કોઈની પરવાર રે શામળા ગિરધારી" . એ પરમ સંતના ચરણ કમળમાં કોટી કોટી પ્રણામ .              

No comments:

Post a Comment