Tuesday, August 2, 2011

શિક્ષણ અને કેળવણી

સામાન્ય રીતે આપણે શિક્ષણ અને કેળવણી શબ્દ એક જ અર્થ માટે વાપરીએ છીએ કે ફલાણા કે ફલાણીમાં કેટલું જ્ઞાન કે કેટલી આવડત છે. પરંતુ થોડો વિચાર કરીએ તો સમજાય છે કે બંનેમાં સુક્ષ્મ ફરક છે. શાળા કે કોલેજમાં આપણને જે સહજ રીતે મળે છે તે શિક્ષણ છે પણ એ શિક્ષણનો સદ્ઉપયોગ કેમ કરવો એ કેળવણી. વિજ્ઞાનની અવનવી શોધ એ માનવીને મળતું શિક્ષણ છે જ્યારે એ શોધખોળનો સદ્ઉપયોગ કેમ કરવો તે કેળવણી છે.

દા.ત. પરમાણુનું વિભાજન કરવાથી પ્રચંડ શક્તિ ઉત્પન્ન કરી શકાય પણ એ શક્તિનો ઉપયોગ અણુબોમ્બ બનાવવા માટે પણ કરી શકાય અને વિજળી ઉત્પન્ન કરવા માટે પણ કરી શકાય. પરમાણુ વિભાજન એ શિક્ષણ છે જ્યારે વિજળી બનાવવા માટેનો સદ્ઉપયોગ એ કેળવણી છે. વિજ્ઞાન આપણને નક્કર સત્ય અથવા તો ઠોસ સિધ્ધાંત આપીને અટકી જાય છે તે સત્ય કે સિધ્ધાંતનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો તેની સાથે એને કોઇ લેવાદેવા નથી.

શિક્ષણ એ સમુહને માટે છે જ્યારે કેળવણી એ વ્યક્તિગત બાબત છે. શિક્ષણ તો સંસ્થામાંથી સહજ રીતે મળી જાય પણ કેળવણી માટે વિવેકની જરુર છે અને વિવેક શિખવવા માટે નથી કોઇ કોલેજ કે નથી કોઈ સંસ્થા. તે ગુણ વ્યક્તિએ વિકસાવવો પડે પણ એ શક્ય કેવી રીતે બને?

વિવેક એટલે સારા ખરાબનો ભેદ અને આધ્યાત્મિક ભાષામાં આત્મ અનાત્મનો ભેદ. એક બાળક જ્યારે જન્મે છે ત્યારે તેના મગજની સ્લેટ કોરી લઇને આવે છે. એના પાસે આંખ અને કાન છે જેનાથી તે જોઇ અને સાંભળી શકે છે તેની આ ક્રિયા બિલકુલ તટસ્થ હોય છે. જે કાઇ બની રહ્યુ છે તે તેના માટે સારુ કે ખરાબ છે તે નથી જાણતુ. બાળક જેમ જેમ મોટુ થતુ જાય તેમ તેમ તેનામાં સમજણ આવતી જાય કે આ શિશિ મારી છે તેમાં દુધ હોય છે. માં મારી સામે હસે છે કે માં મને વઢે છે.

કેળવણીની શરૂઆત બચપણથી અને ઘરમાં બનતા બનાવો પરથી મળતી હોય છે. દા.ત. તમે ચાર દિવસ ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો અને બાળકને શાળામાંથી રજા નો મળે તો? આપણે તરત જ શોર્ટ કટ વિચારવા માંડીએ કે ચાલો ડોક્ટર પાસેથી મેડિકલ સર્ટિફિકેટ મેળવી લઇએ. આ ક્રિયાથી આપણું ફરવા જવાનું કામ તો થઇ જશે પણ બાળકને ખોટી કેળવણી પણ મળી જશે કે ખોટુ બોલી શકાય કે ખોટુ કરી શકાય.

કેળવણીથી જ બાળકનું સાચુ ઘડતર થાય છે તેનામાં સમજણ કેળવાય છે અને કોઠાસુઝ વધે છે.બાળકના ઘડતર અને વિકાસ માટે પરિવારના દરેક સભ્યોએ પોતાના વિચાર, વાણી અને વર્તનથી યોગ્ય ફાળો આપવો જોઇએ. બાળકને સારામાં સારુ શિક્ષણ જરુર આપો પણ સાથોસાથ કેળવણી ઉપર પણ એટલું જ ધ્યાન આપવુ જોઇએ કે જેથી એ બાળક બની યુવાન થાય ત્યારે કોઇપણ સંજોગોનો સફળતાપૂર્વક સામનો કરી ઉચ્ચ જીવન જીવી શકે,

No comments:

Post a Comment