પિતૃગૃહેથી માતા, પિતા, બહેન, ભાઇ, સર્વે સગા, સંબંધી, સખી અરે પોતાની માતૃભુમિને છોડીને તમારા ઘરને પોતાનું બનાવવા આવતી દિકરીને લોકો એ કેવું સરસ નામ આપ્યું " પુત્રવધૂ ".
કેમ જાણે એમ લાગે છે કે હે દોસ્ત! એ હવે તારા ઘરનો લાડ ખજાનો છે! તારા ઘરની પુત્રવધૂ છે એટલે કે પુત્ર થી પણ વધૂ છે.
ક્યારેક એવો વિચાર આવે છે કે ભગવાન કેટલા દયાળુ છે કે તે એવુ ઇચ્છે છે કે જગતના કોઇ પિતા કે માતા કે જેના ઘરે દિકરી ન હોય તે દિકરીના પ્રેમથી વંચિત ન રહે એટલા માટે તેમના ઘરે પુત્રવધૂ મોકલે છે.
દિકરી એટલે પારકી થાપણ. ખરુ ને! પણ વિચારો કે આપણી થાપણ ગમે તેને સોંપીએ ખરા? નહિ ને. ઠીક એવી જ રીતે ભગવાન પણ એવા સમર્થ લોકોને ઘરે જ પારકી થાપણ મોકલે છે કે જેની ઉપર ભગવાન ને વિશ્વાસ હોય, પુરો ભરોસો હોય કે આ દંપતિ મારો ભરોસો નહિ તોડે. કન્યાના માબાપને ખબર છે કે દિકરી ગમે તેટલી વહાલી હોય, લાડકી હોય પણ એક દિવસતો તેને વળાવવી પડશે તેમ છતા પણ તેને જીવની જેમ સંભાળીને મોટી કરે છે. પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કરી દે છે ને અંતે જેની થાપણછે તેને પરત કરી દે છે. ધન્ય છે એ માતાપિતાને!! એમની ઉદારતાને સલામ!!
દિકરી જ્યારે પરણીને સાસરે જાય છે ત્યારે તે કોઇ અજાણ્યા ઘરે નથી જતી પણ પોતાના જ ઘરે જાય છે એની મુળ જગ્યાએ જાય છે. એ ઘર, એ પતિ, એ માતા પિતા જેનાથી તે અત્યાર સુધી અજાણ હતી તેના પાસે જાય છે. પણ જેમ એક બાળક સૌથી પહેલી વાર બાળમંદિર જાય, નવા લોકો, નવા સાથી, નવું વાતાવરણ જુએ અને તેને કઇંક અજીબ લાગણી થાય લગભગ તેવી જ પરિસ્થિતી દિકરીને થતી હશે. પણ જેમ બાળમંદિર વિદ્યાર્થીની પ્રગતિનુ પ્રથમ સોપાન છે અને વ્યક્તિ ધીરે ધીરે સમજી વિચારી મહેનત કરી આગળ જતાં સફળતા મેળવે છે તેમ જ દિકરી પણ પોતાના સંસ્કાર, મહેનત અને લગનથી, પોતાની વાણી, વિચાર અને વર્તનથી આખા ઘરને પોતિકું બનાવી સર્વેની લાડકી બની જાય છે. એક પુત્રીની ભુમિકા પુરી કરીને બીજી ભુમિકામાં પોતાની જાતને ઢાળવામાં જિંદગીમાં કેટલા સમાધાન કરતી હશે એતો એ દિકરી કે પરમાત્મા જાણે. કદાચ એટલે જ ભગવાને સહનશિલતા, તિતિક્ષા, પ્રેમ અને લાગણી ખોબલે ખોબલે સ્ત્રીમાં ભરી છે કે જેથી તે બંને ઘરને ઉજાળી શકે.
Tuesday, April 26, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment